અયોધ્યા વિવાદ મામલે નવેમ્બરમાં આવશે ચુકાદો ? સુપ્રીમનું કડક વલણ

26 September, 2019 12:38 PM IST  |  દિલ્હી

અયોધ્યા વિવાદ મામલે નવેમ્બરમાં આવશે ચુકાદો ? સુપ્રીમનું કડક વલણ

અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે 18 ઓક્ટોબર બાદ પક્ષકારોને પોતાની દલીલ માટે એક પણ દિવસ એક્સ્ટ્રા નહીં મળે. કોર્ટે કહ્યું છે કે સુનાવણી પૂરી કરવાની તારીખ લંબાવવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ તમામ પક્ષોને કહ્યું છે કે નક્કી સમય પર જ સુનાવણી પૂરી થવી જોઈએ. જો આગામી 4 અઠવાડિયામાં ચુકાદો આવ્યો તો ચમત્કાર ગણાશે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે આજનો દિવસ ગમીને આપણી પાસે સુનાવણી પૂરી કરવા 10 દિવસ બચ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે ગુરુરવારે અયોધ્યા કેસની સુનાવણી માટે 32મો દિવસ છે. ગુરુવારે જેવી સુનાવણી શરૂ થઈ, તો સૌથી પહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ પોતાનો મત જણાવ્યો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં આ મામલે 31 દિવસોની સુનાવણી થઈ ચૂકી છે.

હિંદુ પક્ષકારો પોતાની રજૂઆત કરી ચૂક્યા છે તો મુસ્લિમ પક્ષકારોની દલીલ ચાલુ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્ત્વવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું છે કે જો 18 ઓક્ટોબર સુધીમાં દલીલ પૂરી થશે તો ચાર અઠવાડિયામાં ચૂકાદો આપવો ચમત્કારથી કમ નથી. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બરે રિટાયર થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ વાત પર ટિપ્પણી કરી ચૂક્યા છે કે તમામ પક્ષોએ 18 ઓક્ટોબર પહેલા સુનાવણી પૂરી કરવા પ્રયત્ન કરવા જોઈએ. બાદમાં સુપ્રીમ કોર્ટે એક મહિનો ચુકાદો લખવા માટે જરૂરી છે.

આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદ મુદ્દે ડીએમકેના નેતા રાજાએ બાબરી મસ્જિદની તરફેણ કરી

CJIના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણીનો સમય વધારી દીધો હતો. સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલે અઠવાડિયામાં 5 દિવસ સુનાવણી કરી રહી છે, સાથે જ કોર્ટ રોજ એક કલાક વધુ સમય આપી રહી છે. એટલે કે હવે સાંજે 5 વાગ્યા સુધી સુનાવણી થઈ રહી છે. અદાલતે જરૂર પડે તો શનિવારે પણ સુનાવણી કરવા તૈયારી દર્શાવી છે.

ayodhya verdict ayodhya national news supreme court