પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર હુમલો: ભારતના સિખોમાં ઉગ્ર આક્રોશ

05 January, 2020 09:47 AM IST  |  Mumbai Desk

પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર હુમલો: ભારતના સિખોમાં ઉગ્ર આક્રોશ

અપમાન સામે રોષ : પાકિસ્તાનમાં સિખોના ધર્મસ્થાનક નનકાના સાહિબ પર હુમલો અને સિખ યુવતી જગજિત કૌરના અપહરણની ઘટના સામે રોષ વ્યક્ત કરવા દિલ્હીનાં સિખ સંગઠનોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. (તસવીર: પી.ટી.આઈ.)

પાકિસ્તાનના પંજાબ પ્રાંતસ્થિત નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા હુમલા અને પથ્થરમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ દિલ્હીસ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું છે. આ વિરોધ-પ્રદર્શનમાં સિખ સમુદાયના લોકોની સાથે મુસ્લિમ સમુદાયના લોકો પણ સામેલ થયા હતા. મહત્ત્વનું છે કે પાકિસ્તાન હાઈ કમિશનની બહાર એક તરફ બીજેપી તો બીજી તરફ કૉન્ગ્રેસના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ નારાબાજી કરી હતી. 

આ દરમ્યાન બીજેપીના કાર્યકરોએ ત્યાં લાગેલાં બૅરિકેડ્સને તોડી દીધાં હતાં. ડોગરા ફ્રન્ટના સભ્યોએ પણ નનકાના સાહિબ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, સિખ યુથ સેવા ફ્રન્ટે પણ એની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
મુસ્લિમ સંગઠન, જમાત-ઇસ્લામી હિન્દે પાકિસ્તાનના નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલા પથ્થરમારાની ઘટનાની નિંદા કરી અને માગણી કરી છે કે એમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવે. જમાતના અધ્યક્ષ સદાતુલ્લા હુસૈનીએ કહ્યું, ‘અમે માગણી કરીએ છીએ કે પાકિસ્તાન સરકારે આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવી જોઈએ અને તીર્થયાત્રીઓને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ.’
જમાતના ઉપાધ્યક્ષ સલીમ એન્જિનિયરે કહ્યું, ‘આ પાકિસ્તાન સરકારનું કર્તવ્ય છે કે તે ધાર્મિક સ્થળની સુરક્ષા તથા પવિત્રતાને જાળવે અને હિંસા, આગ તથા તોડફોડ જેવા કોઈ પણ કૃત્યથી તીર્થયાત્રીઓ અને સિખ સમુદાયના લોકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવે.’

પાકિસ્તાનમાં લઘુમતીઓ પરનો અત્યાચાર વાસ્તવિકતા : હરસિમરત બાદલ
અકાલી દળના નેતા અને મોદી સરકારના પ્રધાન હરસિમરત બાદલ કૌરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પરનો અત્યાચાર એક વાસ્તવિકતા છે. પાકિસ્તાનનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. હું પંજાબના સીએમ અને કૉન્ગ્રેસને પૂછવા માગું છું કે આવા પીડિત લઘુમતી સમુદાયને અધિકાર આપવા માટેના પીએમ મોદીના મહાન કામ (નાગરિકતા બિલ)નો વિરોધ તમે કેવી રીતે કરશો.

national news pakistan