આસામ એનઆરસીની અંતિમ યાદી જાહેરઃ 19 લાખથી વધારે લોકો આઉટ

01 September, 2019 01:28 PM IST  |  ગૌહાટી

આસામ એનઆરસીની અંતિમ યાદી જાહેરઃ 19 લાખથી વધારે લોકો આઉટ

મમતા બૅનરજી

આસામ અને દેશ માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. આસામમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)ની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. એનઆરસીના સંયોજક પ્રતીક હેજેલાએ જણાવ્યું કે ૩,૧૧,૨૧,૦૦૪ લોકોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ૧૯,૦૬,૬૫૭ લોકોને આ યાદીમાં સ્થાન મળી શક્યું નથી. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે કોઈ દાવો જ નહોતો કર્યો.

તેમણે જણાવ્યું કે જે લોકો આ યાદીથી સંમત ન હોય તે લોકો ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા પાંચ જિલ્લામાં કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામાં આવી છે. જે લોકોનાં નામ આ અંતિમ યાદીમાં નથી આવ્યાં તેમની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે જોવાનું એ છે કે જે લોકોનું નામ એનઆરસીની અંતિમ યાદીમાં નથી તેમનું શું થશે? તેમની પાસે કયા વિકલ્પ છે કે તેઓ હજી પણ ખુદને દેશના નાગરિક સાબિત કરી શકે છે? શું તેઓને વિદેશી જાહેર કરી દેવાશે? આવા અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ વાસ્તવમાં એક દસ્તાવેજ છે જે એ ઓળખ કરે છે કે કોણ દેશના વાસ્તવિક નાગરિક છે અને કોણ દેશમાં ગેરકાયદે રહે છે.

શેડ્યુલ ઑફ સિટિઝનશિપના સેક્શન આઠ અનુસાર લોકો એનઆરસીમાં પોતાનું નામ નહીં હોવા પર અપીલ કરી શકશે. અપીલ માટે સમયસીમા ૬૦ દિવસથી વધારીને ૧૨૦ દિવસ કરી દેવાઈ છે એટલે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી લોકો અપીલ કરી શકશે. ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત ૪૦૦ ટ્રિબ્યુનલ્સનું ગઠન કરાયું છે જે એનઆરસીના વિવાદોનો અંત લાવવાનું કામ કરશે.

જો કોઈ વ્યક્તિ ટ્રિબ્યુનલમાં કેસ હારી જશે તો તેમની પાસે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાનો પણ વિકલ્પ ખુલ્લો રહેશે. દરેક કાયદાકીય વિકલ્પો અજમાવતા પહેલાં એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નહીં આવે. આસામ સરકારે લોકોને જણાવ્યું છે કે જો કોઈ પરિવાર ગરીબ હશે અને તેઓ કાયદાકીય લડત લડવા માટે સક્ષમ નહીં હોય તો તેમનેt સરકાર મદદ આપશે. એનઆરસીની અંતિમ યાદીમાં જે લોકોનું નામ સામેલ નથી થયું તેવા પરિવારોને સત્તાધારી બીજેપી અને વિપક્ષીઓએ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

આ પણ વાંચો : હવે કાશ્મીરમાં પણ દોડશે મેટ્રો

આસામ એકમાત્ર રાજ્ય છે જ્યાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) અમલી થશે. આસામમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓને લઈને હંમેશાં વિવાદ રહ્યો છે. એક અંદાજ અનુસાર આસામમાં ૫૦ લાખ બંગલાદેશીઓ ગેરકાયદે રહે છે. ૧૯૮૦ના દાયકામાં ગેરકાયદે પ્રવાસીઓના મામલે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. તેના પછી તત્કાલીન રાજીવ ગાંધી સરકાર અને આસામ ગણ પરિષદ વચ્ચે સમજૂતી થઈ હતી, જેમાં કહેવાયું હતું કે ૨૫ માર્ચ, ૧૯૭૧ સુધીમાં જે લોકો દેશમાં આવ્યા તેમને નાગરિકતા આપવામાં આવશે. બાકીના લોકોને દેશમાંથી બહાર મોકલી દેવાશે.

national news assam