અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને જ્યૉર્જ ફર્નાન્ડિસને મરણોત્તર પદ્‍મવિભૂષણ

26 January, 2020 12:36 PM IST  |  Mumbai Desk

અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને જ્યૉર્જ ફર્નાન્ડિસને મરણોત્તર પદ્‍મવિભૂષણ

ભારતના ૭૧મા પ્રજાસત્તાક દિનના પદ્મ પારિતોષિકની યાદીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અને બીજેપીનાં વરિષ્ઠ નેતાઓ અરુણ જેટલી અને સુષમા સ્વરાજ તેમ જ ટ્રેડ યુનિયન ક્ષેત્રના બેતાજ બાદશાહ અને જનતા દળ (યુનાઇટેડ)ના નેતા જ્યૉર્જ ફર્નાન્ડિસને મરણોત્તર પદ્મવિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યાં છે. દેશનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓને એનાયત કરવાના પદ્મ પુરસ્કારોમાં આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી તથા કેળવણીકાર એચ. એમ. દેસાઈને પદ્મભૂષણના ઇલકાબ માટે પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતી કલાકારો સરિતા જોષી અને શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. 

પદ્મવિભૂષણનો ઇલકાબ મેળવનાર મહાનુભાવોમાં મૉરિશ્યસના ભૂતપૂર્વ વડા પ્રધાન અનિરુદ્ધ જગન્નાથ, મહિલા બૉક્સિંગ ચૅમ્પિયન મૅરી કૉમ (મણિપુર), હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક છન્નુલાલ શર્મા (ઉત્તર પ્રદેશ), પેજાવર અધોકરાજા મઠના અધિપતિ શ્રી વિશ્વેશ્વર તીર્થ સ્વામીજી (ઉડુપી)ને મરણોત્તર પદ્મવિભૂષણ પારિતોષિક એનાયત માટે પસંદ કરવામાં આવ્યાં છે. પદ્મશ્રી મેળવનારા ફિલ્મ અને મનોરંજન જગતના મહાનુભાવોમાં ફિલ્મમેકર્સ કરણ જોહર અને એકતા કપૂર, અભિનેત્રી કંગના રનોટ તેમ જ ગાયકો સુરેશ વાડકર અને અદનાન સમીનો સમાવેશ છે.

આ વખતે રાષ્ટ્રપતિએ ૧૪૧ પદ્મ પારિતોષિકોને મંજૂરી આપી હતી. એમાં ચાર પારિતોષિકો બે જણને સહિયારા ધોરણે એનાયત કરવામાં આવશે. એમાં ૭ પદ્મવિભૂષણ, ૧૬ પદ્મભૂષણ અને ૧૧૮ પદ્મશ્રી પારિતોષિકનો સમાવેશ છે. પારિતોષક મેળવનારા મહાનુભાવોમાં ૩૪ મહિલાઓ છે. યાદીમાં વિદેશી, બિનનિવાસી ભારતીય અને વિદેશમાં વસતા મૂળ ભારતીય શ્રેણીના ૧૮ જણનો સમાવેશ છે.

દેશના ઉચ્ચતમ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારો પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ કૅટેગરીમાં કલા, સમાજસેવા, ખેલકૂદ, સાહિત્ય અને શિક્ષણ સાર્વજનિક કાર્ય, વિજ્ઞાન, ઇજનેરી અને વેપાર-ઉદ્યોગ તબીબી સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં ઉમદા કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. પદ્મવિભૂષણ અપવાદરૂપ અને વિશિષ્ટ કામગીરી માટે, પદ્મભૂષણ ઉચ્ચ સ્તરે વિશિષ્ટ કામગીરી માટે અને પદ્મશ્રી કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન બદલ એનાયત કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિને જાહેર કરવામાં આવતા પદ્મ પુરસ્કારોનું વિતરણ પછીથી માર્ચ કે એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિભવનમાં યોજાતા વિશેષ સમારંભમાં કરવામાં આવે છે.

પદ્‍મ વિભૂષણ
જ્યૉર્જ ફર્નાન્ડિસ
અરુણ જેટલી
એમ. સી. મૅરી કૉમ
છન્નુલાલ મિશ્રા
સુષમા સ્વરાજ

પદ્‍મ ભૂષણ
બાલકૃષ્ણ દોશી
આનંદ મહિન્દ્ર
પી. વી. સિંધુ
વેણુ શ્રીનિવાસન

પદ્‍મશ્રી

પવાર પ્રતાપરાવ ભાગુજી
ગફુરભાઈ એમ. બિલખિયા
એચ. એમ. દેસાઈ
ડૉ. રમણ ગંગાખેડકર
સુધીર જૈન
કરણ જોહર
સરિતા જોષી
એકતા કપૂર
યઝદી નોશિરવાન કરંજિયા
નારાયણ જે. જોશી કારાયલ
એસ. પી. કોઠારી
રાહીબાઈ સોમા પોપેરે
જિતુ રાય
તરુણદીપ રાય
કંગના રનોટ
શાહબુદ્દીન રાઠોડ
અદનાન સમી
સૈયદ મેહબૂબ શાહ કાદરી ઉર્ફે સૈયદભાઈ
ગુરદીપ સિંહ
ડૉ. સૅન્ડ્રા ડેસા સોઝા
સુરેશ વાડકર

national news sushma swaraj arun jaitley