ચંદ્રાબાબુની ભૂખ હડતાલમાં પહોંચ્યા રાહુલ, કહ્યું- PM વચન નથી નિભાવતા

11 February, 2019 12:59 PM IST  | 

ચંદ્રાબાબુની ભૂખ હડતાલમાં પહોંચ્યા રાહુલ, કહ્યું- PM વચન નથી નિભાવતા

ચંદ્રાબાબુ નાયડૂ અને રાહુલ ગાંધી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડૂની એક દિવસીય ભૂખ હડતાલ ચાલુ છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દા પર તેઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આજે ભૂખ હડતાલ કરી રહ્યા છે. હડતાલ પર બેસતા પહેલા તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડૂએ રાજઘાટ જઈને બાબૂને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ભૂખ હડતાલ દરમિયાન નાયડૂએ કહ્યું કે, "આજે અમે કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવા માટે અહીંયા આવ્યા છીએ. કાલે વડાપ્રધાને આંધ્રપ્રદેશ (ગુંટુર)ની મુલાકાત લીધી હતી, ધરણાના એક દિવસ પહેલા. હું પૂછું છું કે જરૂર શું છે?" પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહનસિંહ પણ નાયડૂની ભૂખ હડતાલનું સમર્થન કરવા આંધ્ર ભવન પહોંચ્યા.

નાયડૂએ કહ્યું કે વડાપ્રધાને આંધ્રપ્રદેશના મામલે રાજધર્મનું પાલન નથી કર્યું, કારણકે તેમની સરકારે રાજ્યને વિશેષ દરજ્જો નથી આપ્યો. જો વડાપ્રધાન અમારા લોકો પર વ્યક્તિગત હુમલો કરે છે, તો અમે તેનો જવાબ આપવા માટે તૈયાર છીએ. આ ભૂખ હડતાલમાં નેશનલ કોન્ફરન્સના નેતા ડૉ. ફારૂખ અબ્દુલ્લા તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મજીદ મેમણ પણ હાજર છે. જ્યારે આ અનશન પર આંધ્ર ભવનમાં રાહુલ ગાંધી પણ પહોંચ્યા છે. તેમણે કહ્યું, 'હું આંધ્રપ્રદેશના લોકોની સાથે છું. તેઓ કેવા વડાપ્રધાન છે? તેમણે આંધ્રપ્રદેશના લોકોને આપેલું વચન પૂરું નથી કર્યું. મોદી જ્યાં પણ જાય છે, જૂઠ્ઠું બોલે છે. તેમનામાં કોઈ વિશ્વસનીયતા બચી નથી.'

તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ જયદેવ ગાલાએ આંધ્રભવન પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લગાવવામાં આવેલા પોસ્ટર્સ વિશે કહ્યું, 'અમે તેની સાથે સહમત નથી. આ યોગ્ય નથી અને એવું ન કરવું જોઈએ. અમારી પાર્ટીના લોકોએ આવું નહોતું કરવું જોઈતું.'

નાયડૂનું કહેવું છે કે કેન્દ્ર સરકારે રાજ્યને લઈને અન્ય પણ ઘણા વાયદાઓ કર્યા હતા અને તેમને પૂરા કરવામાં પણ અસફળ રહી છે. તેમણે કહ્યું કે જો તમે અમારી માંગનો પૂરી નથી કરી, તો અમને ખબર છે કે કેવી રીતે અમારી માંગોને પૂરી કરાવવી. આ આંદ્રપ્રદેશના લોકોના આત્મસન્માનની વાત છે. જો અમારા આત્મસન્માન પર હુમલો કરવામાં આવશે, તો અમે સહન નહીં કરીએ. હું હાલની સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન મોદીને ચેતવણી આપું છું કે વ્યક્તિગત હુમલાઓ બંધ કરો.

આ પણ વાંચો: PMએ કર્યું પેટ્રોટેકનું ઉદ્ઘાટન, કહ્યું- વર્તમાન સરકારે દેશની પરિસ્થિતિને સુધારી

ઉલ્લેખનીય છે કે નાયડૂ સવારે આઠ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી આંધ્ર ભવનમાં ભૂખ હડતાલ કરશે. ત્યારબાદ મંગળવારે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક જ્ઞાપન પણ સોંપશે. મુખ્યમંત્રી પોતાના મંત્રીઓ, પાર્ટીના ધારાસભ્યો, એમએલસી અને સાંસદોની સાથે-સાથે રાજ્ય કર્મચારી સંઘો, સામાજિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોના સભ્યો સાથે ધરણા પર બેઠા છે. આ ઉપરાંત, તેઓ આજે દિલ્હીમાં દીક્ષા રેલી પણ કરશે. નાયડૂની રેલીમાં સામેલ થવા માટે દેશના ઘણા ભાગોમાંથી લોકો દિલ્હી પહોંચી રહ્યા છે.

n chandrababu naidu rahul gandhi