CBI ચીફ પદેથી હટાવાયેલા વર્મા બોલ્યા- ખોટા આરોપો લગાવીને કરી ટ્રાન્સફર

11 January, 2019 12:53 PM IST  |  નવી દિલ્હી

CBI ચીફ પદેથી હટાવાયેલા વર્મા બોલ્યા- ખોટા આરોપો લગાવીને કરી ટ્રાન્સફર

ફાઇલ ફોટો

સીબીઆઇના ડાયરેક્ટર પદ પરથી હટાવવાના મામલે આલોક વર્માએ પોતાનું મૌન તોડ્યું છે. પદ પરથી હટાવવા અંગે વર્માએ કહ્યું કે મેં સીબીઆઇની પ્રતિષ્ઠા જાળવી રાખવાના દરેક શક્ય પ્રયત્નો કર્યા છે, પરંતુ ખોટા આરોપોના આધારે મને હટાવવામાં આવ્યો. તેમણે આગળ કહ્યું કે ખોટા, અપ્રમાણિત અને અતિશય હલકા આરોપોના આધારે મારી ટ્રાન્સફર કરવામાં આવી. તેમનું કહેવું છે કે તેમના પર એવા વ્યક્તિએ આરોપ લગાવ્યા છે જે તેમને નફરત કરે છે.

જોકે આલોક વર્માના આ નિવેદન પર પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ વાંધો ઉઠાવ્યો છે. રોહતગીએ કહ્યું, 'મને નથી લાગતું કે આલોક વર્માએ યોગ્ય ઇરાદાથી આ નિવેદન આપ્યું છે. જો વડાપ્રધાન અને એક વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના જજે CVCના રિપોર્ટના આધારે કોઈ નિર્ણય લીધો છે, તો વર્મા તરફથી એમ કહેવું યોગ્ય નથી કે નિર્ણય ખોટો છે. સરકારે તેને પહેલા જ ખતમ કરી દેવાનો હતો. તેનાથી એજન્સી અને સીબીઆઇનું નામ ખરાબ થયું છે.'

પદ પર બહાલીના 48 કલાકની અંદર ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સિલેક્શન કમિટીએ તેમને ફરીથી પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો. વર્માને હવે ફાયર સેફ્ટી વિભાગ, નાગરિક સુરક્ષા અને હોમગાર્ડ વિભાગના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. સિલેક્શન કમિટીએ 2:1થી આલોક વર્માને હટાવવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો: CBI ચીફના પદેથી આલોક વર્માની છુટ્ટી, સિલેક્શન કમિટીની બેઠકમાં નિર્ણય

સિલેક્શન કમિટીના પેનલમાં હાજર વડાપ્રધાન મોદી અને ચીફ જસ્ટિસના પ્રતિનિધિ તરીકે હાજર જસ્ટિસ એકે સીકરી વર્માને હટાવવાની તરફેણમાં રહ્યા, જ્યારે ત્રીજા સભ્ય તરીકે હાજર લોકસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર લીડર મલ્લિકાર્જુન ખડગે વર્માને હટાવવાના વિરોધમાં હતા.

national news