CBI વિવાદ: આલોક વર્માએ આપ્યું રાજીનામું, કહ્યું- ન્યાયનું ગળું રૂંધાયું

11 January, 2019 08:00 PM IST  |  નવી દિલ્હી

CBI વિવાદ: આલોક વર્માએ આપ્યું રાજીનામું, કહ્યું- ન્યાયનું ગળું રૂંધાયું

આલોક વર્મા (ફાઇલ ફોટો)

સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)માંથી રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામામાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની સાથે સ્વાભાવિક ન્યાય કરવામાં આવ્યો નથી અને તેમને પોતાની વાત કહેવાનો મોકો આપવામાં આવ્યો નથી. આલોક વર્માએ ફાયર સર્વિસ અને હોમગાર્ડના ડાયરેક્ટર જનરલનું પદ સંભાળવાની ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે આલોક વર્મા દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ ટ્રાન્સફર ઓર્ડરને સીબીઆઇના ઇન્ટરિમ ચીફ નાગેશ્વર રાવે કેન્સલ કરી નાખ્યા છે. સીબીઆઇના સૂત્રો જણાવે છે કે પદ પર બહાલી મળ્યા પછી આલોક વર્માએ આપેલા તમામ ટ્રાન્સફર ઓર્ડર્સ રદ થઈ ચૂક્યાં છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ને લખેલા લેટરમાં આલોક વર્માએ જણાવ્યું કે સિલેક્શન કમિટીએ તેમને હટાવવાનો નિર્ણય લેતા પહેલા પોતાની વાત વિગતવાર રાખવાનો મોકો ન આપ્યો, જેવું સીવીસીમાં રેકોર્ડ થયું હતું. તેમણે કહ્યું, 'મને સીબીઆઇના ડાયરેક્ટર પદ પરથી હટાવવામાં આવ્યો અને આ પ્રક્રિયામાં સ્વાભાવિક ન્યાયને રૂંધી નાખવામાં આવ્યો. આખી પ્રક્રિયાને ઉલટાવી નાખવામાં આવી. સિલેક્શન કમિટીએ એ તથ્ય પર વિચાર ન કર્યો કે સીવીસીનો આખો રિપોર્ટ એક એવા ફરિયાદકર્તાના આરોપો પર આધારિત હતી જે પોતે સીબીઆઇ તપાસના ઘેરામાં છે.'

તેમણે કહ્યું કે સંસ્થાઓ આપણા લોકતંત્રની સૌથી મજબૂત અને દ્રશ્યવાન પ્રતીક છે અને એ કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય કે સીબીઆઇ આજે ભારતના સૌથી મહત્વપૂર્ણ સંગઠનોમાંની એક છે. કાલનો નિર્ણય એ વાતની સાબિતિ છે કે એક સંસ્થાના રૂપમાં સીબીઆઇની સાથે સરકાર કેવા પ્રકારની વર્તણૂંક કરી રહી છે. 

વર્માએ પોતાના રાજીનામામાં લખ્યું, 'એક ઓફિસર તરીકે મારા ચાર દાયકાના કરિયરમાં હું હંમેશા પ્રામાણિકતાના રસ્તે ચાલ્યો છું. આઇપીએસ તરીકે પણ મારો રેકોર્ડ ડાઘ રહિત રહ્યો છે. મેં આંદામાન-નિકોબાર, પુડુચ્ચેરી, મિઝોરમ, દિલ્હીમાં પોલીસદળોની આગેવાની કરી અને દિલ્હી કારાવાસ તથા સીબીઆઇની પણ આગેવાની કરી. મને આ બધા દળો તરફથી અમૂલ્ય સમર્થન મળ્યું છે.'

વર્માએ કહ્યું કે, 'એ પણ નોંધવા જેવી બાબત છે કે હું 31 જુલાઈ, 2017ના રોજ રિટાયર થઈ ગયો હતો અને 31 જાન્યુઆરી, 2019 સુધીના સમય માટે સીબીઆઇ ડાયરેક્ટરના પદ પર કામ કરી રહ્યો હતો, જે નિશ્ચિત સમયમર્યાદાની એક ભૂમિકા હતી. હું હવે સીબીઆઇનો ડાયરેક્ટર નથી અને હું ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ડાયરેક્ટર જનરલના પદ માટે રિટાયરમેન્ટની ઉંમર પાર કરી ચૂક્યો છું. એટલે મને આજથી જ રિટાયર માનવામાં આવે.'

ઉલ્લેખનીય છે કે મોટી રાહત મળ્યા પથી બે દિવસ પહેલા જ આલોક વર્માએ સીબીઆઇ ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું પરંતુ વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સિલેક્શન કમિટીએ તેમને ફરીથી પદ પરથી હટાવી દીધા હતા. આ બે દિવસોની અંદર આલોક વર્માએ ઘણાની ટ્રાન્સફર કરવાના નિર્ણયો લીધા હતા, જે હવે રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: CBI ચીફ પદેથી હટાવાયેલા વર્મા બોલ્યા- ખોટા આરોપો લગાવીને કરી ટ્રાન્સફર

બે દિવસ પહેલા જ્યારે આલોક વર્માએ સીબીઆઇ ડાયરેક્ટરની ખુરશીનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમણે સૌથી પહેલા એમ નાગેશ્વર રાવ દ્વારા આપવામાં આવેલા લગભગ તમામ ટ્રાન્સફર ઓર્ડર્સ રદ કર્યા હતા. તેના એક દિવસ પછી એટલે કે ગુરૂવારે તેમણે પાંચ અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી આલોક વર્માએ જે અધિકારીઓની ટ્રાન્સફર કરી તેમના નામ છે- જેડી અજય ભટ્નાગર, ડીઆઇજી એમકે સિન્હા, ડીઆઇજી તરૂણ ગઉબા, જેડી મુરૂગસન અને એકે શર્મા છે. હવે જ્યારે આલોક વર્મા પદ પરથી હટી ગયા છે અને તેમનો ચાર્જ નાગેશ્વર રાવે સંભાળ્યો છે ત્યારે રાવે તેમના તમામ ઓર્ડર્સ રદ કરી દીધા છે.

national news