આસામ-નાગાલૅન્ડ બાદ હિંસા આગળ વધી હવે પ.બંગાળમાં તોફાનો શરૂ થયાં

15 December, 2019 11:24 AM IST  |  Mumbai Desk

આસામ-નાગાલૅન્ડ બાદ હિંસા આગળ વધી હવે પ.બંગાળમાં તોફાનો શરૂ થયાં

નાગરિક સુધારણા બિલ કે જે હવે કાયદો બની ગયો છે તેની સામે પૂર્વોત્તરના કેટલાંક રાજ્યોની સાથે હવે પ. બંગાળમાં પણ વિરોધ શરૂ થયો છે અને હિંસાના બનાવો બનતા સીએમ મમતા બૅનરજીએ લોકોને લોકશાહી માર્ગે વિરોધ કરવાની અપીલ કરી છે. બીજેપીશાસિત આસામમાં પરિસ્થિતિ હજુ થાળે નહીં પડતાં ૧૬ ડિસે. સુધી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. બિહારમાં આરજેડી પક્ષે આ કાયદાના વિરોધમાં ૨૧મીએ બિહાર બંધનું એલાન આપતાં સુરક્ષાના કડક પગલાં લેવા પડે તેમ છે.

શનિવારે પશ્ચિમ બંગાળમાં નાગરિકતા (સુધારા) અધિનિયમના વિરોધમાં વિરોધીઓએ ઘણાં સ્થળોએ રસ્તાઓ અને રેલ માર્ગોને અવરોધિત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાઓ અને હાવડા (ગ્રામીણ)માંથી હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે મુર્શિદાબાદમાં જિલ્લાના નૅશનલ હાઇવે નં.૩૪ અને અન્ય રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. પૂર્વી રેલવેના સિલદાહ-હસનાબાદ વચ્ચે રેલસેવા પણ ખોરવાઈ છે.

નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ અસદુદ્દીન ઓવૈસી સુપ્રીમ કોર્ટમાં
નવી દિલ્હી ઃ (જી.એન.એસ.) નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઓવૈસીના વકીલ નિઝામા પાશાએ આ વાતની જાણકારી આપી છે. ઓવૈસી સિવાય આસામના વિપક્ષી નેતા દેબબ્રત સાકિયા અને બારપેટાના લોકસભા સાંસદ અબ્દુલ ખાલિકે પણ અરજી દાખલ કરી છે.
આ સિવાય મારિયાના વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ પણ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ અરજી આપી છે. અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં આ નાગરિકતા બિલનો વિરોધ કરતાં બિલની કૉપી ફાડી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે બિલ દેશને વહેંચનારુ છે અને બંધારણની મૂળ ભાવના કરતાં વિપરીત છે. ઓવૈસીએ કહ્યું હતું કે આ બિલ મુસ્લિમને સ્ટેટલેસ બનાવવા જેવું છે અને દેશની સુરક્ષા માટે જોખમ બની શકે છે.

nagaland west bengal national news assam