રાજસ્થાનના જોધપુરમાં ઍક્સિડન્ટ

28 September, 2019 11:07 AM IST  |  રાજસ્થાન, જોધપુર

રાજસ્થાનના જોધપુરમાં ઍક્સિડન્ટ

16નાં મોત, 10 ઘાયલ

જોધપુર : (જી.એન.એસ.) જોધપુરના ગ્રામીણ વિસ્તાર જોધપુર-જેસલમેર રોડ પર આગોલાઈ નજીક ધંધણિયા ગામ રોડ પર આજે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં બોલેરો અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ૧૩ જણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં જોધપુરની મથુરાદાસ માથુર હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ૩ જણનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ૧૦ જણ ગંભીર રીતે ઘાયલ છે અને તેમને જોધપુરની મથુરાદાસ માથુર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર શુક્રવારે બપોરે ૧ વાગ્યે એક મિની બસ જેસલમેરથી જોધપુર થઈને આગોલાઈ તરફ આવી રહી હતી અને એક બોલેરોમાં પરિવાર આગોલાઈથી જેસલમેર તરફ જઈ રહ્યો હતો. એ જ સમયે ધંધણિયા ગામ નજીક બન્ને વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને બોલેરોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. એમાં ૧૩ જણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતને પગલે ઘાયલ લોકોને મથુરાદાસ માથુર હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેમાં ૩ જણનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ૬ મહિલાઓ, ૯ પુરુષો અને ૧ બાળકનો સમાવેશ છે.
આ ઘટના બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ આ ઘટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. અકસ્માત બાદ જોધપુર રેન્જના આઇજી સચિન મિત્તલ, જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત, ગ્રામીણના રાહુલ બરાઠ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પૂછપરછ કરી હતી.

rajasthan jodhpur