નાગપુરના ગામમાં ચોર આખું એટીએમ ઉઠાવી ગયા

08 December, 2019 11:48 AM IST  |  Nagpur

નાગપુરના ગામમાં ચોર આખું એટીએમ ઉઠાવી ગયા

ફાઈલ ફોટો

કોઈક બૅન્કના એટીએમ સેન્ટરમાં તોડફોડ કરીને ચોરી થવાની ઘટના સામાન્ય રીતે બનતી હોય છે, પણ ચોંકાવનારી કહી શકાય એવી નાગપુર જિલ્લાના પટનસંગી ગામમાં કેટલાક અજાણ્યા લૂંટારાઓ શુક્રવારે વહેલી સવારે જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનું ૨.૮૩ લાખ રૂપિયા ભરેલું એટીએમ ઉઠાવી ગયા હતા.

પૈસા સાથે મશીન ચોરી જતાં પહેલાં તસ્કરોએ બૅન્કના સર્વર સાથે એટીએમ સિસ્ટમનું કનેક્શન કાપી નાખ્યું હોવાનું ક્રાઇમ બ્રાન્ચ (નાગપુર ગ્રામીણ)ના પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ જિટ્ટાવારે જણાવ્યું હતું. મશીન ઉઠાવી જવા માટે લૂંટારાઓએ સોમવારે નાગપુર નજીકના કાટોલ વિસ્તારથી ચોરેલા વાહનનો ઉપયોગ કર્યો હતો. એટીએમ સાથે તેઓ એટીએમ-રૂમમાં ઇન્સ્ટૉલ કરાયેલાં ડિજિટલ વિડિયો રેકૉર્ડર અને સીસીટીવી કૅમેરા પણ ઉઠાવી ગયા હતા. સાવનેર પોલીસે આ બાબતે કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો : મહિલાની સાડીએ રિક્ષામાં ભુલાયેલી ‍14 લાખની મતા પાછી અપાવી

નાગપુરના બજારગાવ શહેરમાં એટીએમની ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર લૂંટારુ ટોળકીએ જ આ ચોરી કરી હોવાનું પોલીસનું માનવું છે. ૧૪ ઑક્ટોબરે કાટોલમાં પણ ૧૬ લાખ રૂપિયા ભરેલું એટીએમ ચોરાયું હોવાનું જણાવતાં જિટ્ટાવરે ઉમેર્યું હતું કે આ તમામ ગુના પાછળ હરિયાણાના મેવાતથી આવેલી ટોળકીનો હાથ હોવાનું મનાય છે.

nagpur national news Crime News