03 June, 2025 07:27 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
બિનિતા છેત્રી ગઈ કાલે ગુવાહાટી પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું હતું.
બ્રિટન્સ ગૉટ ટૅલન્ટ 2025ની ગ્રૅન્ડ ફિનાલેમાં ભારતની ૯ વર્ષની બિનિતા છેત્રી પોતાની પ્રતિભા અને મહેનતના બળે સેકન્ડ રનર-અપ રહી હતી. બિનિતાએ સ્ટેજ પર પોતાના નૃત્યથી માત્ર પ્રેક્ષકોને જ મંત્રમુગ્ધ નહોતા કર્યા, આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતને ગૌરવ અપાવ્યું હતું. હવે દેશભરમાંથી તેના પર અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો છે. હાલમાં તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.
નાના ગામથી સફર શરૂ
બિનિતાની સફર એક નાના ગામમાં શરૂ થઈ હતી, પરંતુ પિતાના સમર્થન અને સ્થાનિક સમુદાયની મદદથી તે આગળ વધી હતી. બિનિતાના પિતા અમર છેત્રી આસામના બોકાજન જિલ્લામાં એક પોલ્ટ્રી ફાર્મ ચલાવે છે. તેમણે પુત્રીની પ્રતિભાને ઓળખીને તેને પહેલાં ગુવાહાટીમાં અને પછી જયપુરમાં પ્રોફેશનલ ડાન્સની ટ્રેઇનિંગ અપાવી હતી. ઑલ આસામ ગોરખા સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્ય તરીકે તેમણે બિનિતાને માત્ર પ્રોત્સાહન જ નહોતું આપ્યું, તેને સ્ટેજ પર લાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્બી આંગલૉન્ગ કાઉન્સિલે અંતિમ તૈયારીઓ માટે પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા.
પ્રથમ ભારતીય ફાઇનલિસ્ટ
બિનિતા છેત્રી ‘બ્રિટન્સ ગૉટ ટૅલન્ટ’ના ઇતિહાસમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય સ્પર્ધક બની હતી. બ્રિટિશ જાદુગર હૅરી મોલ્ડિંગ ફાઇનલમાં વિજેતા જાહેર થયા હતા અને LED ડાન્સ ગ્રુપ ‘ધ બ્લૅકઆઉટ્સ’ બીજા સ્થાને રહ્યું હતું. જોકે બિનિતાના પ્રદર્શનથી પ્રેક્ષકો સાથે જે ભાવનાત્મક જોડાણ બન્યું એ કોઈ જીતથી ઓછું નહોતું.
જીવનની સૌથી ખાસ ક્ષણ
ફાઇનલમાં ઍન્કરે બિનિતાને તેની સફર વિશે પૂછ્યું ત્યારે તેણે નિર્દોષતાથી કહ્યું હતું કે મને મારા પર ખૂબ ગર્વ છે અને આ અનુભવ મારા જીવનની સૌથી ખાસ ક્ષણ છે. આ સાંભળીને પ્રેક્ષકોએ આખો હૉલ તાળીઓના ગડગડાટથી ભરી દીધો હતો.
પિન્ક પ્રિન્સેસ હાઉસ ખરીદવાનું સપનું
એક ઇન્ટરવ્યુમાં બિનિતાએ જણાવ્યું હતું કે તેનું સપનું ‘પિન્ક પ્રિન્સેસ હાઉસ’ ખરીદવાનું છે. તેનું આ સપનું દર્શકોનાં હૃદયને સ્પર્શી ગયું હતું. પોતાની સિદ્ધિ પર બિનિતાએ કહ્યું હતું કે ‘હું બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર માનું છું. મારી મહેનત અને તમારા સમર્થનથી હું આ તબક્કે પહોંચી શકી હતી અને ભારતનું પ્રતિનિધિત્વ કરી શકી હતી.’
ઘરઆંગણે ભવ્ય સ્વાગત
‘બ્રિટન્સ ગૉટ ટૅલન્ટ’માં ૩૧ મેએ સેકન્ડ રનર-અપ બન્યા બાદ બિનિતા આસામમાં તેના ઘરે પાછી ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.