કોરોનાકાળમાં પોલીસ-કસ્ટડીમાં પિતા-પુત્ર પર ક્રૂર ત્રાસ ગુજારીને તેમનો જીવ લેનારા ૯ પોલીસને મળશે સજા-એ-મૌત

07 April, 2026 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાકાળમાં પોલીસ-કસ્ટડીમાં પિતા-પુત્ર પર ક્રૂર ત્રાસ ગુજારીને તેમનો જીવ લેનારા ૯ પોલીસને મળશે સજા-એ-મૌત

ગઈ કાલે મદુરાઈ કોર્ટની બહાર કેટલાક આરોપીઓ.

મદુરાઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગઈ કાલે સથાનકુલમ કસ્ટોડિયલ મૃત્યુકેસમાં દોષી ઠરેલા ૯ પોલીસને ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસ દુર્લભમાં દુર્લભ હતો. આ પોલીસો જૂન ૨૦૨૦માં પી. જયરાજ અને તેમના પુત્ર જે. બેનિક્સની કસ્ટોડિયલ હત્યા અને ત્રાસ માટે દોષી ઠર્યા હતા.

ન્યાયાધીશે શું કહ્યું?

કેસનો ચુકાદો આપતી વખતે જજ મુથુકુમારને કહ્યું હતું કે ‘જો કોઈ સામાન્ય નાગરિકે આ ગુનો કર્યો હોત તો તેને સામાન્ય સજા થઈ હોત, પરંતુ ગુનો પોલીસે કર્યો છે તેથી સામાન્ય સજા આપી શકાતી નથી. આ કસ્ટોડિયલ હિંસાનું સ્પષ્ટ ઉદાહરણ છે. પુરાવા દર્શાવે છે કે પિતા અને પુત્રને પોલીસ-કસ્ટડીમાં ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. ઇન્સ્પેક્ટર એસ. શ્રીધરે હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા, જ્યારે અન્ય અધિકારીઓ હિંસા અને ત્યાર બાદ પુરાવા છુપાવવામાં સામેલ હતા.’

પોલીસ પર શું આરોપ હતા?

પોલીસો પર હત્યાનો, ગંભીર ઈજા પહોંચાડવાનો, ખોટા પુરાવા બનાવવાનો અને ખોટો કેસ દાખલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

કેસમાં શું બન્યું હતું?

પોલીસે ૨૦૨૦ની ૧૯ જૂને ૫૮ વર્ષના જયરાજ અને ૩૧ વર્ષના બેનિક્સની અટકાયત કરી હતી. તેમના પર કોરોનાના લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. થોડા દિવસ પછી કોવિલપટ્ટી સરકારી હૉસ્પિટલમાં તેમનાં મૃત્યુ થયાં હતાં. તપાસમાં જાણવા મળ્યું હતું કે પોલીસકસ્ટડીમાં તેમના પર ક્રૂર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.

CBI ગુનો સાબિત કર્યો

ફૉરેન્સિક પુરાવા, મેડિકલ રિપોર્ટ અને સાક્ષીઓનાં નિવેદનોના આધારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સાબિત કર્યું કે સથાનકુલમ પોલીસ-સ્ટેશનમાં પિતા-પુત્ર પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ-સ્ટેશનમાં મળેલા લોહીના ડાઘ અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નોંધાયેલી ઈજાઓ મુખ્ય પુરાવા હતા.

આરોપી સ્પેશ્યલ સબ-ઇન્સ્પેક્ટર પૉલ્દુરાઈનું ટ્રાયલ દરમ્યાન કોરોનાથી મૃત્યુ થયું હતું. આ કેસથી કસ્ટોડિયલ હિંસા અને પોલીસની જવાબદારી પર દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે સજા સાથે કેસ એના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે.

બેનિક્સની માતાને ૧.૪૦ કરોડ રૂપિયાનું વળતર

પીડિતોના વકીલ જબા સિંહે જણાવ્યું હતું કે ‘કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તમામ ૯ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. પહેલા આરોપીને ૨૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજા આરોપીએ ૧૬.૩૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે. બેનિક્સની માતાને કુલ ૧.૪૦ કરોડ રૂપિયા વળતર તરીકે ચૂકવવામાં આવશે. જો આરોપીઓ વળતર નહીં આપે તો તેમની મિલકત જપ્ત કરીને વેચી દેવામાં આવશે અને રકમ બેનિક્સના પરિવારને આપવામાં આવશે.’

national news india madurai tamil nadu Crime News