કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ જોરમાં- આજથી ૧૮ જાન્યુઆરી સુધી રોજની ૮૦ લોકલ રદ રહેશે

22 December, 2025 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્જિનિયરિંગ કામો, ક્રૉસઓવર દૂર કરવા અને ટ્રૅકના કામને પગલે ૧૮ જાન્યુઆરી સુધી રોજની આશરે ૮૦ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

રાતે ૧૧ વાગ્યાથી પરોઢિયે ૪.૩૦ સુધીના બ્લૉક દરમ્યાન બોરીવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક નજીક છઠ્ઠી લાઇન પર ટ્રૅક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તસવીર : સતેજ શિંદે

વેસ્ટર્ન રેલવેના કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. બાંદરા અને બોરીવલી વચ્ચે મેલ અને એક્સપ્રેસ ટ્રેન માટે અલાયદી લાઇન મળી રહે એ માટે બનાવવામાં આવેલી છઠ્ઠી લાઇન પર મહત્ત્વનો ભાગ બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એન્જિનિયરિંગ કામો, ક્રૉસઓવર દૂર કરવા અને ટ્રૅકના કામને પગલે ૧૮ જાન્યુઆરી સુધી રોજની આશરે ૮૦ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘સબર્બન ટ્રાફિક અવૉઇડન્સ લાઇન તરીકે કામ કરતી પાંચમી લાઇનની અસર છઠ્ઠી લાઇનને થતી હોવાથી દિવસ દરમ્યાનની પણ અમુક લોકલ રદ કરવામાં આવી છે. પાંચમી લાઇન પરથી પસાર થતી મેલ, એક્સપ્રેસ અને લોકલ ટ્રેનો અંધેરી, ગોરેગામ અને બોરીવલી વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડાવાશે. છઠ્ઠી લાઇનનું કામ પૂરું થશે ત્યાર બાદ બહારગામની ટ્રેનો આ લાઇન પર દોડશે અને લોકલ ટ્રેનના નેટવર્કને અસર નહીં કરે.’

વિરારમાં મૉટરમૅનનું ટ્રેનની ટક્કરથી મૃત્યુ

વિરાર-યાર્ડમાં શન્ટિંગ ડ્યુટી કરી રહેલા વેસ્ટર્ન રેલવેના મૉટરમૅનને પાટા ક્રૉસ કરતી વખતે અમ્રિતસર એક્સપ્રેસે ટક્કર મારી હતી. મૉટરમૅને ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. લાંબા અંતરની ટ્રેનના લોકો પાઇલટ અને ટ્રેન-મૅનેજરે વિરાર સ્ટેશન-માસ્ટરને ઘટનાની જાણ કરી હતી, એના પગલે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

mumbai news mumbai western railway borivali kandivli mumbai local train virar