07 October, 2025 09:08 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
આગ બુઝાયા પછી બળી ગયેલા ટ્રૉમા સેન્ટરની હાલત.
પરિવારજનોએ જાતે પોતાના દરદીઓને બહાર કાઢ્યા, વૉર્ડબૉય ધુમાડો જોઈને ભાગી ગયા હોવાનો પરિવારજનોનો આરોપ
જયપુરની સવાઈ માનસિંહ હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટરના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રવિવારે મોડી રાતે આગ લાગી હતી. રાતે ૧૧.૨૦ વાગ્યે ICU વૉર્ડના સ્ટોરમાં આગ લાગી હતી જ્યાં પેપર, સામાન અને બ્લડ-સૅમ્પલર ટ્યુબ રાખ્યાં હતાં. સ્ટોરરૂમમાં લાગેલી આગનો ધુમાડો જોતજોતામાં ICUમાં ફેલાઈ જતાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનામાં ક્રિટિકલ પરિસ્થિતિમાં સારવાર લઈ રહેલા ૮ દરદીનાં મૃત્યુ થયાં હતાં.
જેની મમ્મી આ ICUમાં હતી એ ભરતપુરના શેરુ નામના દરદીના સગાએ કહ્યું હતું કે ‘ધુમાડો ઊઠવાનું ૨૦ મિનિટ પહેલાં જ શરૂ થઈ ગયું હતું. અમે સ્ટાફને કહ્યું પણ ખરું, પણ એ વખતે કોઈએ ધ્યાન ન આપ્યું. જ્યારે આગ ફેલાઈ ત્યારે વૉર્ડબૉય ત્યાંથી ભાગી ગયા હતા. મારી મમ્મીને ICUમાંથી મેં જાતે બહાર કાઢી હતી. ઘટનાના બે કલાક પછી મારી મમ્મીને ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટ કરવામાં આવી હતી.’
દરદીઓને બચાવવા માટે ICUમાંથી કાઢીને બેડ સહિત રોડ પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આગ લાગી ત્યારે ICUમાં ૧૧ દરદીઓ હતા. ટ્રૉમા સેન્ટરનાં નોડલ ઑફિસર ડૉ. અનુરાગા ધાકડે કહ્યું હતું કે ‘અમારી પાસે અગ્નિશમન ઉપકરણો હતાં, પરંતુ ઝેરીલો ધુમાડો એટલી તેજીથી ફેલાયો કે સ્ટાફ માટે પણ અંદર રહેવાનું અસંભવ થઈ ગયેલું.’
પોતાના પરિવારજનોને ગુમાવનારા લોકોનું આક્રંદ હૃદયદ્રાવક હતું.
ફાયર-ફાઇટર્સની ટીમ પણ તરત પહોંચી ગઈ હતી, પરંતુ વૉર્ડમાં ધુમાડો ભરાઈ ગયો હોવાથી અંદર જવાનો કોઈ રસ્તો નહોતો. બિલ્ડિંગની બીજી તરફની બારીઓમાંથી કાચ ઉતારીને પાણીનો ફુવારો છોડવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવતાં લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો હતો. જે દરદીઓને બહાર કાઢી શકાયા તેમને તેમના બેડ સહિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ બુઝાયા પછી દરદીના પરિવારજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.