મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કેસોની સંખ્યા 7 હજારને પાર પહોંચી

14 June, 2021 05:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ રવિવારે મ્યુકોર્માઇકોસીસના કેસની કુલ સંખ્યા 7,395 પર પહોંચી ગઈ છે.

પ્રતિકાત્મક ફોટો

કોરોના બાદ હવે દેશમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે.  મહારાષ્ટ્રમાં આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ રવિવારે મ્યુકોર્માઇકોસીસના કેસની કુલ સંખ્યા 7,395 પર પહોંચી ગઈ છે. તેમાંથી 644 લોકોના બ્લેક ફંગસને કારણે મોત થયા છે.  જ્યારે 2,212 લોકો આ રોગમાંથી મુક્તિ મેળવી છે.  પુના, નાગપુર, નાસિક અને સોલાપુર જિલ્લામાં  બ્લેક ફંગસના સૌથી વધુ કેસ નોંધાયા છે.

તાજેતરમાં રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસિસ અથવા  બ્લેક ફંગસની સારવાર માટેની ફી પણ નક્કી કરી છે, જેની કરતાં વધારે સારવાર  માટે રકમ કોઈ પણ ખાનગી હોસ્પિટલ વસુલી શકશે નહી.  મ્યુકોરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ એ ફંગલ ઇન્ફેક્શનથી થાય છે.  ફંગલ બીજ હોય તેવા વાતાવરણમાં આવવાથી કે તેવા લોકોના સંપર્કમાં આવવાથી લોકો બ્લેક ફંગસનો ભોગ બને છે.   

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ શરીરમાં કટ, ભંગાણ, બર્ન અથવા ત્વચા પર થયેલી અન્ય ઈજા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશે છે, ત્યાર બાદ તેમાં તેનો ફેલાવો વધતો જાય છે.  આ રોગ એવા દર્દીઓમાં જોવા મળી રહ્યો છે કે જેઓ કોવિડ -19 માંથી સ્વસ્થ થઈ રહ્યા છે અથવા સ્વસ્થ થયા છે. તદુપરાંત ડાયાબિટીઝ અને જેની રોગપ્રતિકારક શક્તિ સારી રીતે કાર્યરત નથી તે કોઈપણને આ રોગ સામે સાવચેત રહેવાની જરૂર છે.

મ્યુકોરમાઇકોસિસ અથવા `બ્લેક ફંગસ` ના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગયત મહિને કહ્યું હતું કે જીવલેણ રોગની સારવાર માટેની મુખ્ય દવા એમ્ફોટોરિસિન-બીની ઉપલબ્ધતા હવે વધારી દેવામાં આવી છે.  મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ગુજરાત, પંજાબ, હરિયાણા, કર્ણાટક, ઓડિશા, તેલંગાણા અને તમિલનાડુ સહિતના અનેક રાજ્યોએ તેને રોગચાળા રોગ અધિનિયમ હેઠળ એક `નોંધપાત્ર` રોગ જાહેર કર્યો છે, જેના કારણે રાજ્યને દરેક મ્યુકોરમાઇકોસીસ કેસની જાણ કરવી ફરજિયાત બનાવી છે.  
    

mucormycosis maharastra