14 June, 2023 12:04 PM IST | New Delhi | Dr. Vishnu Pandya
કેરલ સ્ટોરી
એક પછી એક એવી ઘટના બની રહી છે કે એના પર આપણી નજર ગયા વિના રહે નહીં. એનું રાજકારણ પણ ખેલાવાનું શરૂ થયું છે. છેક અમેરિકામાં જઈને રાહુલ ગાંધી એવું કહે કે ભારતમાં મુસ્લિમ અને બીજી લઘુમતી સલામત નથી ત્યારે આ ઇરાદાઓનો અંદાજ આવે છે. એ પહેલાં બીબીસીએ ૨૦૦૨ની ડૉક્યુમેન્ટરી બનાવીને વિવાદનો મધપૂડો છંછેડ્યો ત્યારે જ ઘણાને શંકા ગઈ હતી કે મૂળ કારણ ૨૦૨૪માં નરેન્દ્ર મોદી, બીજેપી, એનડીએ સત્તા પર ન આવે એવી ગણતરી સાથે આ બધું થઈ રહ્યું છે.
...પણ આને માટે કોમવાદ, અલગાવવાદ, આતંકવાદ સાથે સમજૂતી કરી શકાય? રાષ્ટ્રપતિને જેમાં કોઈ વાંધો નહોતો એવા મુદ્દે વિપક્ષો નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરે એ વાજબી છે? ૨૦૨૪માં આ પક્ષના સભ્યો ચૂંટાઈ આવે તો નવા ગૃહમાં નહીં બેસે? સવાલ ઘણા છે, જવાબ અળવીતરા છે! ખૂણેખાંચરે નવા અને નકામા મુદ્દાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે. ઔરંગઝેબની તરફેણ કરતાં જુલૂસ મહારાષ્ટ્રમાં નીકળ્યાં. સાવ યુવા છોકરાઓ એમાં જોડાયા અને હિંસક તોફાન કર્યાં. એના બચાવમાં મુસ્લિમ નેતાઓ અને ઓવૈસી જેવા કટ્ટર મુસ્લિમ સંગઠનનો નેતા પણ કૂદી પડ્યો. આમાં વાંક તેમનો તો છે જ, પણ એનાથી અધિક નક્કી એજન્ડા સાથે કામ કરનારા કેટલાક ઇતિહાસકારોએ આજ સુધી કૉલેજ, યુનિવર્સિટીઓ અને સ્કૂલમાં જે અર્ધસત્ય ઇતિહાસ ભણાવવામાં આવ્યો એનો છે. આજે પણ એવી ‘વિદ્વાન’ દલીલો કરવામાં આવે છે કે મહમૂદ ગઝની કાંઈ મૂર્તિ તોડવા સોમનાથ નહોતો આવ્યો, માત્ર લૂંટફાટ કરી હતી. તેની સેનામાં હિન્દુઓ હતા અને તે વિદ્વાન હતો. ઔરંગઝેબ પણ સરળ શહેનશાહ હતો, તેણે મંદિર બંધાવ્યાં હતાં! ટીપુ સુલતાન તો અંગ્રેજો સામે લડ્યો હતો, હિન્દુ સામે નહીં. ગુજરાતમાં મોહમ્મદ બેગડાનાં તો એટલાં વખાણ થયાં કે તેનાં તમામ કુકર્મો ઢંકાઈ જાય! બાબરી મસ્જિદ અને જ્ઞાનવાપી વિશે પણ ‘સંશોધન’ ફેલાવવામાં આવી રહ્યાં છે.
‘ધ કેરલ સ્ટોરી’ વિશેનો ઊહાપોહ એવો છે કે એમાં અધૂરી માહિતી છે. ઉશ્કેરણી કરે છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કૉન્ગ્રેસી રાજ્યોએ તો એવું કર્યું પણ ખરું. ખરેખર તો નાદાન કન્યાઓને ફસાવી-વટલાવીને તેમનો ખતરનાક ઉપયોગ થઈ રહ્યો છે એની દસ્તાવેજી કહાણી એમાં છે. ૩૦ વર્ષ પૂર્વે એક ઈસાઈ સાધ્વીએ પણ તેની કરમ કહાણી લખી હતી કે મુસ્લિમ દેશોમાં લઈ જઈને આ યુવતીઓનું કેવું શોષણ કરવામાં આવે છે. બૉલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહને તો ‘કેરલ સ્ટોરી’ અને ‘કશ્મીર ફાઇલ્સ’ પર એવો ગુસ્સો આવ્યો કે એ વધુ જોવાય છે એ તેમને ગમ્યું નહીં. ‘આ ટ્રેન્ડ ખરાબ છે’ એવું કહીને ઉમેર્યું કે ‘આપણે ત્યાં જર્મની નાઝી જેવું વાતાવરણ થઈ રહ્યું છે.’ કેટલાક મહાનુભાવો તો કહી રહ્યા છે કે આ દેશ રહેવા જેવો નથી. એક કન્નડ સાહિત્યકારે ૨૦૧૪માં એવું કહ્યું હતું કે જો મોદી સત્તા પર આવશે તો હું દેશ છોડીને ચાલ્યો જઈશ. એક નાગરિકે ૨૦૧૪ પછી તેમને વિમાનની ટિકિટ પણ મોકલી આપી હતી!
અજમેર સેક્સ કૌભાંડમાં કેટલાક મૌલાનાઓ પણ હતા એ વિગતો ચર્ચાના ચગડોળે ચડી છે ત્યાં ‘૭૨ હુર’ ફિલ્મ આવી રહી છે એના પર તો ટીવી-ચૅનલ પર સુધારાવાદી અને કટ્ટર મુસ્લિમો જ હાથાપાઈ પર આવી ગયા અને ગાળાગાળ કરે છે. એવું કંઈક આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ઇસ્લામિક માન્યતા મુજબ મર્દ લોકોને જન્નતમાં ૭૨ હુર એટલે કે સુંદર સ્ત્રીઓ સાથે રહેવાનું બનશે. હવે આ વાતે કટ્ટર અને જડ માનસિકતા પર પ્રહાર શરૂ થયા. હજી હમણાં ‘હિજાબ’નો વિવાદ શરૂ થયો એ છેક ઈરાન સુધી પહોંચ્યો છે. રાજકીય પક્ષોએ આવાં તત્ત્વોને પોતાનાથી અલગ પાડી દેવાં જોઈએ, પણ સત્તા મેળવવાની લાલચે એવું થતું નથી. કર્ણાટક ચૂંટણીમાં તો કૉન્ગ્રસે અ-સંવૈધાનિક મુસ્લિમ અનામતને ચાલુ રાખીશું એવું ઢંઢેરામાં વચન આપ્યું હતું. હવે એ પક્ષ જીત્યો છે એટલે એ એવું કરશે.
ભારતીય જાહેર જીવનનો ઇતિહાસ એવો છે કે બાકી લઘુમતીઓમાં માત્ર મુસ્લિમ સમુદાય જ એવો છે કે એના કેટલાક આગેવાનો કોમી ઝનૂન ધરાવે છે, રમખાણો પણ થાય છે. સિખ ધર્મમાં એક સાવ નાનકડો વર્ગ અલગાવમાં માને છે, જે ખાલિસ્તાની ચળવળમાં સામેલ છે. બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી વગેરે શાંત પ્રજા છે. ભારતવિરોધી વલણ ધરાવતી નથી. મુસ્લિમ પ્રજાએ ભારતમાં ૨૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું એટલે એનો અહમ્ અલગાવ તરફ લઈ જાય છે એવું મુસ્લિમ વિચારક હમીદ દલવાઈનું વિધાન યાદ કરવા જેવું છે. એક મૌલાનાએ તો એવું વિધાન કર્યું કે અમે અખંડ ભારત બનાવીશું, પાકિસ્તાન અને બંગલાદેશના મુસ્લિમોને સાથે લઈને મુસ્લિમ વડા પ્રધાન બનાવીશું! કેટલાંક વિધાનો આ માનસિકતાને વધુ બળ આપે એવાં બની જાય છે. હાલની મુસ્લિમ લીગ સેક્યુલર છે એવું પ્રમાણપત્ર રાહુલ ગાંધીએ અમેરિકામાં આપ્યું! કારણ એટલું જ કે કૉન્ગ્રેસનું મુસ્લિમ લીગ સાથે કેરલામાં જોડાણ છે!