10 September, 2026 03:26 PM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરમાં વડા પ્રધાન પૅકેજ હેઠળ નોકરી કરતા આશરે ૭૦૦૦ કાશ્મીરી પંડિતો પર ફરી એકવાર આતંકી ખતરો મંડરાઈ રહ્યો છે. લશ્કર-એ-તય્યબા (LeT) સમર્થિત આતંકી સંગઠન યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ (ULC) દ્વારા તાજેતરમાં જ એક ધમકીભર્યો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ કાશ્મીરી પંડિત કર્મચારીઓના વ્યક્તિગત ફોન-નંબર, ઘરનાં સરનામાં અને વાહનોની માહિતી ડાર્ક વેબ અને સોશ્યલ મીડિયા પર ઑનલાઇન લીક કરી દીધી હતી.
પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે કર્મચારીઓ તાત્કાલિક નોકરીમાંથી રાજીનામું આપે અન્યથા તેમને મારી નાખવામાં આવશે. છેલ્લા એક મહિનામાં આ પ્રકારની પાંચમી ધમકી મળતાં કાશ્મીરી પંડિતોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પીડિત કર્મચારીઓએ તાત્કાલિક ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપૉર્ટ (FIR) નોંધવાની અને રહેણાક વિસ્તારોના સુરક્ષા-ઑડિટની માગણી કરી છે.
આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ આ ધમકીઓ પાછળ વહીવટીતંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના નિવેદનને આતંકીઓ પ્રત્યેનું નરમ વલણ ગણાવ્યું હતું. બીજી તરફ ઓમર અબ્દુલ્લાએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને કાશ્મીરી પંડિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી હતી.