હિમાચલ પ્રદેશમાં રોપવેમાં ખામી સર્જાતા 7 લોકો હવામાં ફસાયા, એકને બચાવાયો

20 June, 2022 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાકીનાને બચાવવાના પ્રયાસો ચાલુ છે

તસવીર સૌજન્ય: પીટીઆઈ

હિમાચલ પ્રદેશના પરવાનુમાં રોપ-વેમાં સમસ્યા સર્જાઈ છે, જેના કારણે 7 પ્રવાસીઓ તેમાં ફસાઈ ગયા છે. હાલમાં તેમને બચાવવા માટે બીજી કેબલ કારની ટ્રોલી મોકલવામાં આવી છે, જેના દ્વારા એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે. કેબલ-કારમાં સમસ્યાને કારણે તે 8 કલાક સુધી હવામાં અટવાઈ ગઈ હતી. ટેક્નિકલ ટીમ શક્ય તેટલી વહેલી તકે કેબલ કાર સેવાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ પણ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

હાલમાં, સોલન જિલ્લામાં કેબલ-કારમાંથી એક પ્રવાસીને બચાવી લેવામાં આવ્યો છે. બાકીનાને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

આ વાતની પુષ્ટિ કરતા એસપી સોલન વીરેન્દ્ર શર્માએ જણાવ્યું કે લગભગ 1:30 વાગે પરવાનૂના TTRમાં ટેક્નિકલ સમસ્યાને કારણે કેબલ કાર અધવચ્ચે ફસાઈ ગઈ હતી. કેબલ કારમાં ફસાયેલા પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ રિસોર્ટ જઈ રહ્યા હતા, ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે અહીં ટિમ્બર ટ્રેઈલ અટવાઈ ગઈ છે, તેઓ કહે છે કે રેસ્ક્યૂ ટ્રોલી દ્વારા તેમને નીચે લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેઓ ઉતરવાની સ્થિતિમાં નથી.

આવું પહેલા પણ બન્યું છે

ઓક્ટોબર 1992માં કસૌલી તહસીલના પરવાનુ વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી, જ્યારે દસ લોકોના શ્વાસ હવામાં અટવાઈ ગયા હતા. આજે પણ લોકો એ સમયને યાદ કરે છે ત્યારે તેઓ કંપી ઊઠે છે. ત્રણ દિવસથી દસ લોકોના શ્વાસ હવામાં અટવાઈ ગયા હતા અને એક વ્યક્તિનું મોત પણ થયું હતું.

ત્યારે આર્મી અને એરફોર્સના જવાનોએ સેંકડો ફૂટની ઊંચાઈએ ફસાયેલા લોકોનો જીવ બચાવ્યો હતો. ટાયબર ટ્રેલ રોપ-વેમાં ટ્રોલી ફસાઈ જવાની માહિતી આગની જેમ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. આમાં ફસાયેલા પ્રવાસીઓ દિલ્હી અને પંજાબના હતા.

national news himachal pradesh