શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યોઃ સાત જણ ઘાયલ

13 October, 2019 01:09 PM IST  |  શ્રીનગર

શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યોઃ સાત જણ ઘાયલ

શ્રીનગર શહેરની હરિ સિંહ સ્ટ્રીટમાં કથિત આતંકવાદીઓના ગ્રેનેડ અટૅકમાં પાંચ નાગરિકોને ઇજા થઈ હતી. ગ્રેનેડ ફેંકાયાની માહિતી મળતાં હુમલાના સ્થળે સશસ્ત્ર પોલીસ જવાનો પહોંચ્યા હતા. તસવીર : પીટીઆઇ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સખત સુરક્ષા વચ્ચે હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં ૭ લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. ઘાટીમાં સખત સુરક્ષાવ્યવસ્થા છે ત્યારે આ હુમલો થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઘટના બાદ મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે સુરક્ષાદળોની ટીમ પણ હાજર છે. સુરક્ષા દળો આ ગ્રેનેટ હુમલાની તપાસ કરી રહી છે. જ્યારે ઘાયલોને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ પહેલાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ પાંચ ઑક્ટોબરે ગ્રેનેડ હુમલો કર્યો હતો. ડીસી ઑફિસ પાસે કરાયેલા આ હુમલામાં ટ્રાફિક પોલીસ કર્મચારી અને એક પત્રકાર સહિત ૧૪ લોકો ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીર આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ આતંકી હુમલા થવાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ સિવાય સેનાના અધિકારીઓએ પણ દાવો કર્યો હતો કે આતંકીઓ ઘાટી પાર કરીને કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયાસ કરવાની ફિરાકમાં છે.

આ પણ વાંચો : દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ : કેજરીવાલ

આ અગાઉ જમ્મુ-કાશ્મીરના અવંતિપુરમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કર-એ-તૈયબાના અબુ મુસ્લિમ તરીકે થઈ હતી. આ સિવાય ઘાટીમાં આતંકીસમૂહો સક્રિય હોવાની હાલમાં જ જાણકારી સામે આવી હતી, જેના કારણે ઘાટીમાં સુરક્ષા દળોને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે.

srinagar terror attack jammu and kashmir national news