બાબરી ધ્વંસની વરસી: રામમંદિર નિર્માણની પ્રતીક્ષામાં છે રામનગરી

27 December, 2018 01:29 PM IST  |  UP

બાબરી ધ્વંસની વરસી: રામમંદિર નિર્માણની પ્રતીક્ષામાં છે રામનગરી

6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું. (ફાઇલ)

એ 6 ડિસેમ્બર જ હતી જ્યારે 26 વર્ષ પહેલા રામનગરી બાબરી મસ્જિદ માળખાના ધ્વંસની સાક્ષી બની હતી. એ ઉદ્દેશથી આ ધ્વંસ કરવામાં આવ્યો હતો કે જે સ્થળે રામલલા બિરાજમાન છે, તેના પર મસ્જિદની જગ્યાએ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. વચ્ચે-વચ્ચે એ નારો પણ ઉગ્ર થતો ગયો કે જે તાકાતથી ધ્વંસ કરવામાં આવ્યો, તે જ તાકાતથી રામમંદિરનું નિર્માણ પણ થશે.

આ તાકાત 1998થી 2004 દરમિયીન કેન્દ્રમાં એનડીએ સરકાર અને વડાપ્રધાનના રૂપમાં અટલ બિહારી વાજપેયીની તાજપોશી તરીકે જોવા મળી. પરંતુ, પૂર્ણ બહુમત ન મળ્યાનું વિઘ્ન નડી ગયું. ત્યારબાદ કેન્દ્રમાં ભાજપાને ફરીથી આવતા ભલે એક દાયકો વીતી ગયો પરંતુ 2014માં જે સરકાર આવી તે એકલા ભાજપના દમ પર પૂર્ણ બહુમત સાથે સત્તામાં રહેવાની હકદાર બની. તેની સાથે જ મંદિર નિર્માણનો વિશ્વાસ જાગ્યો.

આ વિશ્વાસ ફળીભૂત થવાની રાહ જોતાં-જોતાં પાંચ વર્ષ પૂરાં થવા પર છે અને હવે એ સમીકરણ સ્પષ્ટ છે કે જો અત્યારે મંદિરનું નિર્માણ ન થાય તો ભવિષ્યમાં ફરી આવો મોકો મળે તેની કોઈ ગેરંટી નથી. એવામાં મંદિર સમર્થકોની સંપૂર્ણ ઊર્જા સરકાર પર દબાણ બનાવવામાં ખર્ચ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં મંદિર-મસ્જિદ વિવાદની સુનાવણી શરૂ કરાવીને સરકારે પ્રયત્ન પણ કર્યો, પરંતુ તે પૂરતો નથી. આ પરિસ્થિતિમાં એક અવાજ એવો પણ ઉઠી રહ્યો છે કે સરકાર કાયદો બનાવીને મંદિરનું નિર્માણ કરાવે.

મંદિર સમર્થકોએ સરકારને ચેતવી

ગયા નવેમ્બરની 25 તારીખના રોજ વિહિપ ધર્મસભામાં લાખો મંદિર સમર્થકોને ભેગા કરીને સરકારને પોતાની મહત્વાકાંક્ષા જણાવી દીધી છે. ધર્મસભામાં વક્તાઓએ સ્પષ્ટ કરી દીધું કે જો કેન્દ્રની બીજેપી સરકારે મંદિરનું નિર્માણ ન કરાવ્યું તો આગામી દિવસોમાં મંદિર સમર્થકોને સંભાળવા તેમના માટે સહેલું નહીં હોય.

શિવસેના પણ છે વ્યાકુળ

રામમંદિર નિર્માણ માટે વ્યાકુળતા દર્શાવવામાં કેન્દ્ર સરકારની સહયોગી પાર્ટી શિવસેના પણ પાછળ નથી. ગયા નવેમ્બરની 24 તારીખે સમર્થકોના જૂથ સાથે અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નારો આપ્યો, 'દરેક હિંદુનો એ જ પોકાર-પહેલા મંદિર પછી સરકાર.'

babri masjid ram mandir