તામિલનાડુમાં ૬૦૦ મોબાઇલ ટાવર્સ મિસિંગ

24 June, 2022 09:30 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

આ ટાવર્સ છેક ૨૦૧૭થી દેખરેખ હેઠળ નહોતા. તાજેતરમાં આ કંપનીના અધિકારીઓ કાર્યરત ન હોય એવા મોબાઇલ ફોન ટાવર્સનું સ્ટેટસ ચકાસવા ગયા ત્યારે હકીકત બહાર આવી

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુમાં વિચિત્ર ઘટના બની છે. અહીં ૬૦૦ મોબાઇલ ફોન ટાવર્સ મિસિંગ છે. આ મોબાઇલ ફોન ટાવર્સ સ્થાપનારી કંપની જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે જણાવ્યું હતું કે આ ટાવર્સ છેક ૨૦૧૭થી દેખરેખ હેઠળ નહોતા. દરમ્યાનમાં પોલીસ તપાસમાં તાજેતરમાં બહાર આવ્યું કે આ કંપનીના ૬૦૦ મોબાઇલ ફોન ટાવર્સ મિસિંગ છે.

જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું હેડક્વૉર્ટર મુંબઈમાં છે, જ્યારે એની રીજનલ ઑફિસ ચેન્નઈમાં પુરાસાવક્કમમાં છે.

આ કંપનીએ સમગ્ર ભારતમાં ૨૬,૦૦૦ જેટલા મોબાઇલ ફોન ટાવર્સ સ્થાપ્યા છે અને એનું સંચાલન કર્યું છે. માત્ર તામિલનાડુમાં જ ૬૦૦૦થી વધુ મોબાઇલ ફોન ટાવર્સ સ્થાપીને એને મેઇન્ટેઇન કરવામાં આવ્યા છે.

૨૦૧૮માં આ પ્રાઇવેટ ટાવર સર્વિસ કંપનીએ ભારે નુકસાનના કારણે એની સર્વિસ બંધ કરી દીધી હતી. એટલા માટે સમગ્ર દેશમાં અનેક જગ્યાઓએ મોબાઇલ ફોન ટાવર્સની નેટવર્ક સર્વિસ ઠપ થઈ ગઈ હતી.

તાજેતરમાં જ્યારે આ કંપનીના અધિકારીઓ કાર્યરત ન હોય એવા મોબાઇલ ફોન ટાવર્સનું સ્ટેટસ ચકાસવા માટે ગયા હતા ત્યારે તેમને એ જાણીને આઘાત લાગ્યો હતો કે ઇરોડ જિલ્લામાં એક મોબાઇલ ટાવર મિસિંગ હતો,જેના પગલે ઇરોડ જિલ્લામાં એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે જ્યાં આ ટાવર સ્થાપવામાં આવ્યો હતો. જોકે એ પછી સમગ્ર તામિલનાડુમાં કાર્યરત ન હોય એવા મોબાઇલ ફોન ટાવર્સની કન્ડિશન જાણવા માટે તપાસ કરવામાં આવતાં ખ્યાલ આવ્યો કે ૬૦૦થી વધારે ટાવર્સ મિસિંગ છે, જેના માટે કોઈ રહસ્યમય ગૅન્ગ જવાબદાર હોય એમ મનાઈ રહ્યું છે. 

national news tamil nadu