ઍરલાઇન્સ માટે કેન્દ્ર સરકારના નવા ૬ નિયમો- ૬૦ ટકા બેઠકોને ફ્રી ઑફ ચાર્જ રાખવી પડશે

19 March, 2026 06:54 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કોઈ પણ ફ્લાઇટમાં કુલ સીટોના ઓછામાં ઓછા ૬૦ ટકા ભાગને ‘ફ્રી ઑફ ચાર્જ’ તરીકે રાખવો પડશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર દ્વારા હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને મુસાફરીને વધુ પારદર્શક બનાવવાના હેતુથી ઍરલાઇન્સ કંપનીઓ માટે ૬ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ બેઠક-નંબર પસંદ કરવા માટેના શુલ્કથી લઈને લગેજના સંચાલન સુધીની બાબતોને આવરી લેવામાં આવી છે.

લાગુ કરાયેલા નવા નિયમોની મુખ્ય વિશેષતાઓમાં કોઈ પણ ફ્લાઇટમાં કુલ સીટોના ઓછામાં ઓછા ૬૦ ટકા ભાગને ‘ફ્રી ઑફ ચાર્જ’ તરીકે રાખવો પડશે એટલે કે મુસાફરોએ આ બેઠકો પસંદ કરવા માટે કોઈ વધારાનો સીટ સિલેક્શન ચાર્જ ચૂકવવો નહીં પડે.

જો મુસાફરો એક જ પૅસેન્જર નેમ રેકૉર્ડ (PNR) પર મુસાફરી કરી રહ્યા હોય તો તેમને એકસાથે બેસાડવાના રહેશે. ઍરલાઇન્સે પ્રયાસ કરવો પડશે કે આવા મુસાફરોને બને ત્યાં સુધી બાજુ-બાજુની સીટો જ ફાળવવામાં આવે.

આ ઉપરાંત રમતગમતનાં સાધનો અને સંગીતનાં વાજિંત્રો ફ્લાઇટમાં સાથે લઈ જવાની પ્રક્રિયાને આ નવા નિયમો હેઠળ વધુ પારદર્શક બનાવવામાં આવી છે. ઍરલાઇન્સે આ સાધનોના વહન માટે સ્પષ્ટ નીતિ રાખવી પડશે જેથી મુસાફરોને કોઈ અગવડ પડે નહીં.

સરકારના જણાવ્યા અનુસાર આ નવા નિયમોથી હવાઈ મુસાફરી કરતા યાત્રીઓની સગવડમાં વધારો થશે. ઉપરાંત જુદી-જુદી ઍરલાઇન્સ દ્વારા લેવામાં આવતા છૂપા ચાર્જિસ પર લગામ લગાવી શકાશે.

આ નવા નિયમો લાગુ થવાથી મધ્યમવર્ગીય મુસાફરો જેમને અત્યાર સુધી મનપસંદ બેઠક માટે વધારાના પૈસા ખર્ચવા પડતા હતા તેમને મોટી રાહત મળશે તેમ જ પરિવારો અને ગ્રુપમાં મુસાફરી કરતા લોકો માટે આ નિર્ણય ખૂબ જ આવકારદાયક સાબિત થશે.

national news india indian government travel