ઘરઆંગણે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે છ સબમરીન બનાવશે ભારત

26 October, 2014 06:04 AM IST  | 

ઘરઆંગણે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે છ સબમરીન બનાવશે ભારત


એક મહત્વપૂર્ણ પગલામાં સરકારે ગઈ કાલે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાના રક્ષાસોદાઓને મંજૂરી આપી હતી જેમાં ભારતીય બનાવટની છ સબમરીનો, ૮૦૦૦થી વધુ ઇઝરાયલી ઍન્ટિ-ટૅન્ક મિસાઇલ અને ૧૨ સુધારેલી આવૃત્તિનાં ડૉર્નિયર સર્વેલન્સ વિમાનોનો સમાવેશ છે. ઉપરોક્ત નિર્ણયો ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યા હતા જેના અધ્યક્ષપદે સંરક્ષણપ્રધાન અરુણ જેટલી હતા. બેઠકમાં સેનાની ત્રણે પાંખોના ચીફ, ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગે‍નાઇઝેશન (DRDO)ના ચીફ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

મોટા ભાગના નિર્ણયો નૌકાદળના પક્ષમાં ગયા હતા જેમાં સુધારાની તાતી જરૂર છે. આમાં મોટો નિર્ણય દેશમાં જ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે છ સબમરીનોનું નિર્માણ કરવાનો છે. અન્ય એક નિર્ણયમાં ૩૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮૩૫૬ ઍન્ટિ-ટૅન્ક ગાઇડેડ મિસાઇલો ઇઝરાયલ પાસેથી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિસાઇલો અમેરિકન જૅવલિન મિસાઇલોને બદલે ખરીદવામાં આવશે. થળસેના આ મિસાઇલો માટે ૩૨૧ લૉન્ચરો પણ ખરીદશે. આ ઉપરાંત હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ પાસેથી ૧૮૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૨ ડૉર્નિયર સર્વેલન્સ વિમાનો પણ ખરીદવામાં આવશે. આ સમિતિએ ૬૬૨ કરોડ રૂપિયાના ખર્ચે પશ્ચિમ બંગના મેડકની ઑર્ડનન્સ ફૅક્ટરીમાંથી ૩૬૨ ઇન્ફન્ટ્રી વેહિક્લ્સ ખરીદવાની પણ મંજૂરી આપી છે.

નૌસેના પાસે હાલમાં ૧૩ સબમરીન છે અને ૧૯૯૯માં લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે ૨૦૩૦ સુધી નૌસેના પાસે ૨૪ સબમરીનો હોવી જોઈએ. અગાઉની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકાર દ્વારા છ સ્કૉર્પિયન સબમરીન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાંની પહેલી સબમરીનની ૨૦૧૬માં ડિલિવરી મળશે.