દિલ્હીમાં લૉકડાઉન નહીં: લગ્નમાં 50 મહેમાનોને છૂટ, છઠ પૂજા પર પ્રતિબંધ

19 November, 2020 12:47 PM IST  |  New Delhi | Agency

દિલ્હીમાં લૉકડાઉન નહીં: લગ્નમાં 50 મહેમાનોને છૂટ, છઠ પૂજા પર પ્રતિબંધ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં ફરીથી લૉકડાઉન નહીં લગાવાય. એક દિવસ પહેલાં જ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ વાત કરી હતી. ગઈ કાલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે લૉકડાઉન લગાવવાનો અમારો કોઈ ઇરાદો નથી. બીજી તરફ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીમાં થનારાં લગ્નોમાં મહેમાનોની સંખ્યા ૨૦૦ને બદલે માત્ર ૫૦ રાખવાના કેજરીવાલ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કોરોનાની પરિસ્થિતિ સુધરતાં દિલ્હીમાં લગ્નોમાં ૫૦ને બદલે ૨૦૦ લોકોને બોલાવવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ કેસ વધતાં લોકોની સંખ્યા ૫૦ સુધી મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ હતી. દિલ્હી હાઈ કોર્ટે સાર્વજનિક સ્તરે છઠ પૂજા પર પ્રતિબંધ મૂકવાના કેજરીવાલ સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. શ્રીદુર્ગા જનસેવા ટ્રસ્ટે ૨૦ નવેમ્બરે સાર્વજનિક છઠ પૂજાની પરવાનગી માગી હતી, જે અંગે હાઈ કોર્ટે કહ્યું હતું કે લાગે છે કે અરજીકર્તા કોરોનાની પરિસ્થિતિથી વાકેફ નથી. આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. દિલ્હી બીજેપી દ્વારા કેજરીવાલ સરકારના નિર્ણયો સામે વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી.

ભારતમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ૮૯ લાખને પાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં કોરોનાના કુલ કેસોનો આંક ૮૯ લાખને પાર થયો હતો, જ્યારે સાજા થયેલા લોકોની સંખ્યા ૮૩ લાખ કરતાં વધી ગઈ હતી; જેને પગલે રાષ્ટ્રીય રિકવરી રેટ ૯૩.૫૨ ટકા નોંધાયો હતો.
દેશમાં મંગળવારે કોરોના વાઇરસના ૩૭,૬૧૭ કેસો નોંધાવા સાથે સંક્રમણનો કુલ આંક ૮૯,૧૨,૯૦૭ થયો હતો, જ્યારે ૨૪ કલાકમાં ૪૭૪ લોકોએ જાન ગુમાવતાં કુલ મૃત્યુ આંક ૧,૩૦,૯૯૩ પર પહોંચ્યો હતો.

international news new delhi arvind kejriwal