મોદીવિરોધી એક લાખ પોસ્ટરનો ઑર્ડર, ૨૦,૦૦૦ જપ્ત, ૪૯થી વધુ એફઆઇઆર

23 March, 2023 10:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના અનેક ભાગમાં લગાડવામાં આવેલાં પોસ્ટર્સમાં લખાણ લખવામાં આવ્યું છે કે ‘મોદી હટાવો, દેશ બચાવો’

દિલ્હીમાં અનેક ભાગમાં આવાં પોસ્ટર્સ દીવાલો પર લગાડવામાં આવ્યાં છે.

દેશની રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચેની લડાઈની અસર ગઈ કાલે જાહેર મિલકતોની દીવાલો પર જોવા મળી હતી. સમગ્ર દિલ્હીમાં વાંધાજનક પોસ્ટર્સના સંબંધમાં ૪૯થી વધુ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા છે અને બે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સહિત છ જણની ધરપકડ કરવામાં આવી છે. 

આ પોસ્ટર્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક લખાણ લખવામાં આવ્યું છે. આરોપો અનુસાર દિલ્હીના અનેક ભાગમાં લગાડવામાં આવેલાં પોસ્ટર્સમાં લખાણ લખવામાં આવ્યું છે, ‘મોદી હટાવો, દેશ બચાવો.’ અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યાં છે.

સ્પેશ્યલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે કહ્યું હતું કે ‘દિલ્હી પોલીસે સમગ્ર દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની વિરુદ્ધનાં પોસ્ટર્સ સહિત મોટી સંખ્યામાં વાંધાજનક પોસ્ટર્સ બદલ ૪૯થી વધુ એફઆઇઆર દાખલ કર્યા છે અને છ જણની ધરપકડ કરી છે. આ પોસ્ટર્સ પર એ કયા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયાં હતા કે એનો પબ્લિશર કોણ છે એની વિગત આપવામાં આવી નથી. આ મામલે દિલ્હી પોલીસે ત્વરિત કામગીરી કરીને તપાસ શરૂ કરી દીધી હતી.

પ્રિન્ટિંગ પ્રેસ ઍક્ટ અને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવા વિરોધી કાયદા હેઠળ દિલ્હીના જુદા-જુદા ભાગમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાંથી ૨૦૦૦થી વધુ પોસ્ટર્સને હટાવ્યાં હતાં.

સોર્સિસ અનુસાર બે પ્રિન્ટિંગ પ્રેસને આવાં એક લાખ પોસ્ટર્સ માટેનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. મંગળવારે દિલ્હી પોલીસે એક વૅનને આંતરીને એમાંથી ૨૦૦૦ પોસ્ટર્સને જપ્ત કર્યાં હતાં. આ પોસ્ટર્સમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ નહોતું લખવામાં આવ્યું, જે નિયમ અનુસાર જરૂરી છે. સિનિયર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૭ માર્ચે નારાયણાસ્થિત પ્રિન્ટિંગ પ્રેસને ૫૦,૦૦૦ પોસ્ટર્સ પ્રિન્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. એ તમામ પોસ્ટર્સ તૈયાર કરવામાં આવ્યા બાદ એને ડીડીયુ માર્ગસ્થિત આમ આદમી પાર્ટીની ઑફિસમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. એ પછી ૧૯ માર્ચે રાતે અલગ-અલગ લોકોને એ પોસ્ટર્સ લગાડવા માટે આપવામાં આવ્યા હતા.

સરમુખત્યારશાહી ચરમસીમા પર

આમ આદમી પાર્ટીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘મોદી સરકારની સરમુખત્યારશાહી ચરમસીમા પર છે. આ પોસ્ટર્સમાં એવું તે શું વાંધાજનક છે કે એને લગાડવાથી મોદીજીએ ૪૯ એફઆઇઆર ફાઇલ કરી દીધા? પીએમ મોદી તમને કદાચ ખબર નહીં હોય, પણ ભારત એક લોકતાંત્રિક દેશ છે. એક પોસ્ટરથી આટલો ડર? શા માટે? 

national news aam aadmi party bharatiya janata party narendra modi delhi police new delhi