દેશમાં ૪૨ ટકા કોર્ટમાં ટૉઇલેટની સુવિધા નથી : સર્વોચ્ચ ન્યાયાધીશ

24 October, 2021 07:41 AM IST  |  Aurangabad | Gujarati Mid-day Correspondent

કમ્પ્યુટર યુગમાં પણ દેશમાં માત્ર ૨૭ ટકા કોર્ટ રૂમમાં ન્યાયાધીશની ડાયસ પર વિડિયો કૉન્ફરન્સિંગની સુવિધા સાથેના કમ્પ્યુટર્સ છે

પ્રતીકાત્મક તસવીર

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ કોર્ટ પરિસરોમાં માળખાકીય સુવિધાના અભાવ વિશે ધ્યાન દોર્યું હતું. શનિવારે દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ આશ્ચર્યજનક વિગતો જાહેર કરતા કહ્યું હતું કે દેશમાં ૨૦ ટકા જેટલા જ્યુડિશિયલ અધિકારીઓને બેસવા માટે યોગ્ય કોર્ટ-રૂમ નથી. દેશમાં કુલ ૨૪,૨૮૦ મંજૂરીપ્રાપ્ત ન્યાયાધીશો છે, જ્યારે કોર્ટ હોલની સંખ્યા માત્ર ૨૦,૧૪૩ છે. તેમાંય ૬૨૦ તો ભાડાં પર લેવામાં આવેલાં મકાનો છે. ૨૬ ટકા કોર્ટમાં મહિલાઓ માટે અલગ શૌચાલયની સુવિધા નથી, જ્યારે ૧૬ ટકામાં તો શૌચાલય જ નથી અને ૪૬ ટકા કોર્ટમાં પીવાનાં શુદ્ધ પાણીની સુવિધા પણ નથી.

કમ્પ્યુટર યુગમાં પણ દેશમાં માત્ર ૨૭ ટકા કોર્ટ રૂમમાં ન્યાયાધીશની ડાયસ પર વિડિયો કૉન્ફરન્સિંગની સુવિધા સાથેના કમ્પ્યુટર્સ છે. દેશમાં ૫૧ ટકા કોર્ટમાં લાઇબ્રેરી છે, ૩૨ ટકામાં અલાયદો રેકૉર્ડ રૂમ અને માત્ર ૫ ટકા કોર્ટમાં પ્રાથમિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે.

દેશના સર્વોચ્ચ ન્યાયાધીશે કોર્ટમાં માળખાકીય સુવિધાઓને હંમેશાં અવગણવામાં આવી હોવાનું પણ કહ્યું હતું અને તે કારણે કોર્ટની પ્રક્રિયાઓની કાર્યક્ષમતા પર પણ અસર થતી હોવાનું જણાવ્યું હતું.

national news aurangabad