મહારાષ્ટ્રમાં આ વર્ષે 40,000 ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાશે, જાણો શું છે કારણ

03 August, 2021 06:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર હાઇવે પોલીસે માર્ગ પરિવહન વિભાગને આશરે 40,305 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સને ત્રણથી છ મહિના માટે રદ કરવાની દરખાસ્ત મોકલી છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર હાઇવે પોલીસે માર્ગ પરિવહન વિભાગને આશરે 40,305 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સને ત્રણથી છ મહિના માટે રદ કરવાની દરખાસ્ત મોકલી છે. આમાંના 3,149 ડ્રાઇવિંગ લાઇસન્સ મુંબઈના છે જ્યાં 265,000 ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના ગુના નોંધાયા છે. હવે આ તમામ લોકોના લાઇસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી રદ કરવામાં આવશે. 

સસ્પેન્શન ઓર્ડર જાહેર કરાયા બાદ સંબંધિત લાઇસન્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે અને સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા પછી જ લાઇસન્સ પરત કરવામાં આવશે. ટ્રાફિક પોલીસમાં નોંધાયેલા ગુનામાં સૌથી વધુ ગુના ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા, સિગ્નલ જમ્પ કરવા  અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ બદલ નોંધાયા છે. 

આ સંદર્ભે પોલીસ અધિકારીએ એક મીડિયા જણાવ્યું હતું કે “આ વર્ષે રાજ્યમાં લગભગ 1.47 મિલિયન ટ્રાફિક ગુના નોંધાયા છે. માહિતીનું વિશ્લેષણ કરતા ટ્રાફિક પોલીસ વિભાગને જાણવા મળ્યું છે કે આરોપીઓમાં 40,305 લોકો એવા છે જે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેથી હવે આખરે તેમના લાઇસન્સને સસ્પેન્શન માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

આ 40,305 લોકોમાંથી 23,144 વાહનચાલકો એવા છે જેઓ વાહન ચલાવતી વખતે વારંવાર ફોન પર વાત કરતાં પકડાયા છે. ગયા વર્ષે 9,465 અપરાધીઓ ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા પકડાયા હતા.


mumbai maharashtra