કાંદિવલીના ગોડાઉનમાં અગ્નિતાંડવ : ચાર લોકોનાં મોત

25 December, 2018 06:55 PM IST  | 

કાંદિવલીના ગોડાઉનમાં અગ્નિતાંડવ : ચાર લોકોનાં મોત

કાંદિવલીના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ

છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં રોજ આગ લાગી રહી છે અને એમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં આગના છ બનાવ બન્યા છે અને એમાં ૧૫ લોકોના જીવ ગયા છે. ગઈ કાલે કાંદિવલીમાં આગ લાગી હતી અને એમાં ચાર લોકોનાં મોત થયા બાદ સમતાનગર પોલીસે આગ જે ગોડાઉનમાં લાગી હતી એના માલિક સામે ગુનો નોંધ્યો છે. કમલા મિલમાં લાગેલી આગ બાદ જે રીતે આગથી બચવા માટે ટૉઇલેટમાં ભરાયેલાં લોકોનાં મોત થયાં હતાં એવી જ રીતે આ બનાવમાં પણ ત્રણ લોકો આગથી બચવા માટે ટૉઇલેટમાં ભરાયા હતા અને તેમનાં ત્યાં મોત થયાં હતાં. 

 આ મહિનામાં આરે કૉલોનીમાં આગનો બનાવ બન્યો. બીજી આગ અંધેરીની કામગાર હૉસ્પિટલમાં લાગી હતી જેમાં ૧૧ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આગનો ત્રીજો બનાવ મલાડમાં બન્યો હતો, જ્યારે ચોથી અને પાંચમી આગ માલવણીમાં લાગી હતી તેમ જ હવે છઠ્ઠી આગ કાંદિવલી (ઈસ્ટ)માં દામુનગરમાં લાગી છે જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મYયું છે. આમ આગે ફક્ત એક મહિનામાં જ ૧૫ લોકોના જીવ લેવાની સાથે અનેક લોકોને જખમી પણ કર્યા હતા અને નુકસાન પણ ઘણું કર્યું છે.

હાલમાં બનેલા કાંદિવલી (ઈસ્ટ)ના આગના બનાવમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. કાંદિવલી (ઈસ્ટ)ના દામુનગરમાં આવેલા જીન્સના એક ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગે ભીષણ સ્વરૂપ લીધું હતું. ફાયર-બ્રિગેડ વિભાગના ફાયર-જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર-બ્રિગેડનાં ચાર ફાયર-વાહનો, ચાર જમ્બો વૉટર-ટૅન્કર, એક રેસ્ક્યુ વાહન, બે ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવ્યાં હતાં. આગના બચાવકામ વખતે ચાર લોકોની ડેડ-બૉડી મળી આવી હતી જેમાં ત્રણ બૉડી ટૉઇલેટમાંથી અને એકની ડેડ-બૉડી ગોડાઉનમાંથી મળી હતી. પોલીસના કહેવા પ્રમાણે ગોડાઉનમાં આગ લાગી ત્યારે ત્રણ લોકોએ પોતાને બચાવવા ટૉઇલેટની અંદર બંધ કરી દીધા હતા, જ્યારે એક જણનું ગોડાઉનમાં લાગેલી આગની લપટોમાં સળગી જવાથી મૃત્યુ થયું હતું. કેસની તપાસ હાથ ધરતાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃત્યુ પામેલા લોકો ગોડાઉનમાં કામ કરનારા વર્કર હતા અને આગ લાગતી વખતે ગોડાઉનની અંદર જ ફસાઈ ગયા હતા. આગમાં ૩૦ વર્ષના રાજુ વિશ્વકર્મા, ૩૬ વર્ષના રાજેશ વિશ્વકર્મા, ૫૧ વર્ષના ભાવેશ પારેખ અને ૩૬ વર્ષના સુદામા લલ્લનસિંહે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.