26 November, 2026 12:57 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારમાં દીકરીના અનોખા લગ્ન
બિહારમાં મોકામાના વિધાનસભ્ય અનંત સિંહની પુત્રી શિવાંગીનાં લગ્ન નિમિત્તે ગઈ કાલે યોજાયેલી હૉર્સ રેસ જોવા માટે હજારો લોકો ઊમટી પડ્યા હતા. કેટલાક દર્શકો રેસ જોવા માટે ઇલેક્ટ્રિક ટાવર પર ચડી ગયા હતા. ભીડને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડતાં અનંત સિંહે રેસને અટકાવી દીધી હતી. આ લગ્ન પટના જિલ્લામાં તેમના ગામ નદવાંમાં યોજવામાં આવ્યાં હતાં. રેસના વિજેતાને મહિન્દ્ર થાર રૉક્સ કાર ઇનામમાં આપવામાં આવવાની હતી, પણ ભારે ભીડના કારણે ફાઇનલ રેસ રોકી દેવામાં આવી હતી. આ લગ્નસમારોહ ૧૦ વીઘા જમીનમાં યોજવામાં આવ્યો હતો અને લગ્ન માટે ૩૦ ફુટ ઊંચો જયમાલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો. લગ્નમાં આશરે પાંચેક લાખ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ૧૫૦ જાતની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. મહેમાનો માટે ૫૦ લાખ ગુલાબજાંબુની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લગ્નમાં પહોંચવા ઊમટી પડેલા મહેમાનોને કારણે ૧૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને ખુદ વરરાજા પણ અટવાઈ ગયો હતો. પાંચ કિલોમીટરના પરિઘમાં મોબાઇલ નેટવર્ક પણ જૅમ થઈ ગયું હતું.