દિલ્હી-એનસીઆરમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ

18 December, 2020 03:32 PM IST  |  Mumbai | IANS

દિલ્હી-એનસીઆરમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ

પ્રતિકાત્મક તસવીર

દિલ્લી એનસીઆરમાં ગઈકાલે મોડીરાત્રે 11.46 કલાકે, 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આ આંચકો ગાઝીયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાન, મણીપૂરમાં પણ ભૂકંપના નાનામોટા આંચકાઓ અનુભવાયા હતા. દિલ્લી એનસીઆરમાં આવેલા ભૂકંપના આંચકાનુ કેન્દ્રબિંદુ ગુરૂગ્રામથી 48 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવાનું જણાવાયુ છે.

રાજસ્થાનના સિકરમાં ગઈકાલે સાંજે 3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તો મણીપુરમાં પણ 3.2 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ મણીપુરના મોઈરંગથી 38 કિલોમીટર દક્ષિણમાં આવ્યુ હોવાનું જણાવાયુ છે.

ભૂકંપના આંચકા અનુભવાતાં થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહેતાં લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ અંગે ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કર્યુ હતુ અને ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની વાત કરી હતી. પ્રાથમિક સૂચના મુજબ હાલ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

આ અગાઉ 2 ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 2.7 રહી હતી. ગાઝિયાબાદ જિલ્લામાં ભૂકંપની કેન્દ્રબિંદુ રહ્યું હતું. લોકડાઉન પછી અત્યારસુધીમાં દિલ્હી-એનસીઆરમાં 15થી વધુ વખત ધરતી ધ્રૂજી છે.

delhi news earthquake