"દેશમાં મરતી ગાય-ભેંસના પેટમાંથી ૩૦ કિલો પ્લાસ્ટિક નીકળે છે"

29 March, 2015 05:20 AM IST  | 

"દેશમાં મરતી ગાય-ભેંસના પેટમાંથી ૩૦ કિલો પ્લાસ્ટિક નીકળે છે"




કેન્દ્રીય પર્યાવરણપ્રધાન પ્રકાશ જાવડેકરે ‘પ્લાસ્ટિક કૅરીબૅગ-ફ્રી ઇન્ડિયા’ ઝુંબેશનો ગઈ કાલે હૈદરાબાદમાં પ્રારંભ કરતાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો અને કહ્યું હતું કે દેશમાં મૃત્યુ પામતી દરેક ભેંસ અને ગાયના પેટમાંથી કમસે કમ ૩૦ કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. આ બહુ જ ગંભીર બાબત છે.

દેશમાં પ્લાસ્ટિકના કચરાનો અંદાજ આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘દેશમાં ૪૦ માઇક્રોનથી ઓછી ઘનતાની પ્લાસ્ટિક બૅગ પર પ્રતિબંધ છે અને એનાથી પાતળી પ્લાસ્ટિક બૅગને રીસાઇકલ કરી નથી શકાતી એટલે કચરો વીણતા લોકો પાતળી પ્લાસ્ટિક બૅગને ઉઠાવતા નથી. આખરે ચારે તરફ એવી પ્લાસ્ટિકની પાતળી બૅગો ફેલાતી રહે છે.’

આ સમસ્યા કેટલી ખતરનાક છે એનો ખ્યાલ આપતાં પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ‘દેશમાં દરરોજ પ્લાસ્ટિકનો ૧૫,૦૦૦ ટન કચરો પેદા થાય છે. એ પૈકીના ૯૦૦૦ ટન પ્લાસ્ટિકના કચરાને જ કલેક્ટ કરી શકાય છે. એથી દેશભરમાં પ્લાસ્ટિકના ગંજ ખડકાય છે.’

અમદાવાદમાં આજે યોજાશે ગૌસંવર્ધન સંગોષ્ઠિ

ગુજરાતમાં ૬૬૭ ગૌશાળા તથા ૨૬૯ પાંજરાપોળ કાર્યરત છે ત્યારે આજે અમદાવાદમાં ગૌસંવર્ધન સંગોષ્ઠિ યોજાશે. સારી ઓલાદના સાંઢ અને ગીર ગાય કેવી રીતે પેદા કરવાં એની તેમ જ પ્રખ્યાત ગીર અને કાંકરેજ ગાયના શુદ્ધ સંવર્ધન અને એને સંલગ્ન વિષયો પર ગૌસંવર્ધકો ગોષ્ઠિ કરશે.

અમદાવાદના સરદાર પટેલ રિન્ગ રોડ પર આવેલા બંસી ગીર ગૌશાળા કૅમ્પસમાં ગૌસેવા અને ગૌચર વિકાસ ર્બોડ તેમ જ ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગૌસંવર્ધન સંગોષ્ઠિનું ઉદ્ઘાટન ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ કરશે.

આ સંગોષ્ઠિમાં ગૌસંવર્ધનની વૈદિક પરંપરા, ઇતિહાસ, વિજ્ઞાન, વર્તમાન પદ્ધતિઓ, આર્થિક તેમ જ સામાજિક પાસાં અને ગૌસંવર્ધકોના અનુભવોનું આદાનપ્રદાન થશે. ગૌપાલકો, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, ગુજરાત સરકારના પ્રધાનો, અધિકારીઓ, ગૌઓલાદ સુધારણાનું કામ કરતા ગોપાલકો ઉપરાંત દિલ્હી, નાગપુર, હરિયાણાથી વક્તાઓ સહિત ૫૦૦થી વધુ ગૌસંવર્ધકો આ સંગોષ્ઠિમાં ઉપસ્થિત રહેશે.