2G કેસે પાર કર્યું મહત્વનું સીમાચિહ્ન

23 October, 2011 06:32 PM IST  | 

2G કેસે પાર કર્યું મહત્વનું સીમાચિહ્ન

 

ખટલાનો સામનો રાજા અને કનિમોઝી ઉપરાંત કૉર્પોરેટના માંધાતાઓમાં રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના એમડી (મૅનેજિંગ ડિરેક્ટર) ગૌતમ દોશી, ગ્રુપના પ્રેસિડન્ટ સુરેન્દ્ર પિપારા અને સિનિયર વાઇસ પ્રેસિડન્ટ હરિ નાયર, યુનિટેકના એમડી સંજય ચંદ્ર અને સ્વાન ટેલિકૉમના પ્રમોટરો શાહિદ બલવા અને વિનોદ ગોએન્કાનો સમાવેશ છે. સ્પેશ્યલ જજ ઓ. પી. સૈનીએ ખીચોખીચ ભરાયેલી ર્કોટ-રૂમમાં કહ્યું હતું કે હું આદેશ આપું છું કે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સ)એ કહેલા આરોપસર આ બધા સામે ખટલો શરૂ થાય. જોકે એ સાંભળીને આરોપીઓનાં સગાંસંબંધીઓમાં હતાશા ફેલાઈ ગઈ હતી. જજ ઓ. પી. સૈનીએ કહ્યું હતું કે ‘મારા માટે આરોપો ઘડવાનું કામ ગૂંચવણભર્યું અને થકવી નાંખનારું હતું. મેં અઢી મહિના દલીલો સાંભળી હતી. મેં ફરિયાદી પક્ષના એક લાખ દસ્તાવેજો અને આરોપીઓના ૧૫ હજાર પાનાનાં દસ્તાવેજો તપાસ્યા હતા.’

આરોપીઓ અરજી કરશે

કેસમાં એક સીમાચિહ્ન પાર થયું હોવાથી હવે આરોપીઓ તેમની સામે ર્કોટે મૂકેલા આરોપનામાને હાઈ ર્કોટમાં પડકારી શકશે અને જામીન માટે વહેલામાં વહેલી સોમવારે અરજી કરી શકશે.

ર્કોટ મોડી શરૂ થઈ

આરોપીઓનાં સગાંસંબંધીઓ અને શુભેચ્છકો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની ખાસ સીબીઆઇ ર્કોટની બહાર સવારે ૧૦ વાગ્યે એ શરૂ થાય એ પહેલાં જમા થઈ ગયા હતા. જોકે જજ સૈની ર્કોટમાં આવ્યા ન હોવાથી બધાએ બહાર ઊભા રહેવું પડ્યું હતું. જજ ૧૧.૫૦ વાગ્યે આવતાં ર્કોટ ખૂલી હતી અને ત્યારે ભાગદોડ મચી ગઈ હતી. જજે વિલંબ બદલ માફી માગતાં કહ્યું હતું કે મારો ઑર્ડર તૈયાર ન હોવાથી મને આવતાં મોડું થયું છે.

સગાંસંબંધીઓ રડી પડ્યાં

આરોપીઓના કુટુંબીજનોને આશા હતી કે સબળ પુરાવા ન હોવાથી કોર્ટ તેમને છોડી મૂકશે. ર્કોટે એકેય આરોપીને રાહત ન આપતાં ર્કોટ-રૂમમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. પોતાના કુટુંબીજનો સામે આરોપ ઘડવામાં આવ્યા એનાથી હતાશ થયેલાઓને અમુક લોકોએ ર્કોટમાં જ દિલાસો આપ્યો હતો. કનિમોજીની માતા અને બૉલીવુડ ફિલ્મમેકર કરીમ મોરાનીની પુત્રીઓ તો ર્કોટ-રૂમમાં જ રડી પડી હતી.

પૂરતા પુરાવા

અદાલતે કહ્યું હતું કે ‘આ આરોપીઓ સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. રાજાએ હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાના પણ પૂરતા પુરાવા છે. ર્કોટે લગભગ બે મહિના સુધી આરોપીઓ અને સીબીઆઇની દલીલો સાંભળ્યા બાદ ૧૪ ઑક્ટોબરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીબીઆઇએ આરોપીઓ સામે બે ચાર્જશીટ નોંધાવી હતી.