સુરસુરિયું પુરવાર થઈ 2G સ્પેક્ટ્રમની હરાજી

13 November, 2012 06:02 AM IST  | 

સુરસુરિયું પુરવાર થઈ 2G સ્પેક્ટ્રમની હરાજી



દિવાળીના એક દિવસ પહેલાં શરૂ કરવામાં આવેલી 2G સ્પેક્ટ્રમની હરાજી સરકાર માટે સુરસુરિયું પુરવાર થઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અગાઉ થયેલી હરાજી રદ થયા બાદ સરકારે ફરીવાર 2G સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી હતી. જોકે ઊંચી કિંમતના કારણે સાવ ઓછી કંપનીઓએ બોલી લગાવી હતી. ખુલ્લી હરાજી દ્વારા સ્પેક્ટ્રમની હરાજી કરીને ૪૦ હજાર કરોડ રૂપિયા ભેગા કરવાનું સરકારનો ટાર્ગેટ હતો, પણ હવે સરકારને માત્ર ૭૩૦૦ કરોડ રૂપિયા જ મળશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે.

ગઈ કાલે સરકારે ૨૨ સર્કલમાં ૧૭૬ બ્લૉક માટે ઓપન ઑક્શન શરૂ કર્યું હતું. જોકે પહેલાં દિવસે માત્ર ૯૮ બ્લૉકની બોલી લગાવવામાં આવી હતી. મુંબઈ, દિલ્હી, કર્ણાટક અને રાજસ્થાન માટે એક પણ કંપનીએ બોલી લગાવી ન હતી. આ સર્કલમાંથી સરકારને મોટા પાયે આવક થવાની આશા હતી. ટેલિકૉમ કંપનીઓના નિરુત્સાહને કારણે સોમવાર સુધીમાં હરાજી પ્રક્રિયા પૂરી થઈ જશે એવું મનાઈ રહ્યું છે. ટેલિકૉમપ્રધાન કપિલ સિબબલે ગઈ કાલે સ્વીકાર્યું હતું કે જેટલી સ્પેક્ટ્રમ સરકાર વેચવા માગે છે એમાંથી માત્ર ૫૫ ટકા માટે જ ઑફર આવી છે. 2G સ્પેક્ટ્રમની હરાજીને મળેલા નબળા પ્રતિસાદથી મોટી આવક મેળવીને રાજકોષીય ખાધ ઓછી કરવાના સરકારના પ્રયાસોને ફટકો પડશે.