22 May, 2025 01:16 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
કેશવરાવ ઉર્ફે બસવરાજુ અને અમિત શાહ
છત્તીસગઢના નારાયણપુરમાં બુધવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં સુરક્ષા દળોએ ૨૭ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. રાજ્યના ગૃહપ્રધાન વિજય શર્માએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં ઘણા મોટા નક્સલવાદીઓ ઠાર થયા છે જેમાં નક્સલવાદીઓના જનરલ સેક્રેટરી બસવરાજુનો પણ સમાવેશ છે. આ એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો છે.
છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા બૉર્ડર પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. આ સંદર્ભમાં બસ્તરના ઇન્સ્પેક્ટર જનરલ પી. એ. સુંદરરાજે જણાવ્યું હતું કે ૨૭ નક્સલવાદીઓના મૃતદેહ અને ઘણાં હથિયારો મળી આવ્યાં છે.
છેલ્લા ત્રણ દિવસથી અબુઝમાડનાં ગાઢ જંગલોમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના સૈનિકો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવ જિલ્લાના DRG એકમો આ કામગીરીમાં સંયુક્ત રીતે સામેલ છે.
આ નક્સલી એન્કાઉન્ટરમાં મોટો નક્સલવાદી નેતા અને નક્સલવાદીઓનો જનરલ સેક્રેટરી નામ્બલા કેશવરાવ ઉર્ફે બસવરાજુ પણ ઠાર થયો છે. નારાયણપુર પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. તેનું એન્કાઉન્ટર નારાયણપુરના ઓરછાના બોટર વિસ્તારમાં થયું હતું. બસવરાજુ આંધ્ર પ્રદેશનો છે અને BTechની ડિગ્રી ધરાવે છે. તે સુરક્ષાદળો પર થયેલા અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ છે. તેના માથે ૧ કરોડ રૂપિયાનું ઇનામ હતું.
ઐતિહાસિક સિદ્ધિ : અમિત શાહ
આ એન્કાઉન્ટર વિશે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું હતું કે ‘નક્સલવાદને નાબૂદ કરવાની લડાઈમાં એક ઐતિહાસિક સિદ્ધિ મળી છે. છત્તીસગઢના નારાયણપુરમાં એક કાર્યવાહીમાં આપણાં સુરક્ષા દળોએ ૨૭ ખતરનાક માઓવાદીઓને ઠાર કર્યા છે, જેમાં CPI-માઓવાદી (કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ના જનરલ સેક્રેટરી અને નક્સલ ચળવળના કરોડરજ્જુ નમ્બાલા કેશવરાવ ઉર્ફે બસવરાજુનો સમાવેશ છે. નક્સલવાદ સામેની ભારતની લડાઈના ત્રણ દાયકામાં આ પહેલી વાર છે કે આપણાં દળોએ મહાસચિવ સ્તરના નેતાને ઠાર કર્યો છે. આ મોટી સફળતા બદલ હું આપણાં બહાદુર સુરક્ષા દળો અને એજન્સીઓની પ્રશંસા કરું છું.’