26/11 હુમલાના વળતરપેટે પાકિસ્તાન ૪.૨૩ અબજ રૂપિયા ચૂકવે

12 November, 2014 03:30 AM IST  | 

26/11 હુમલાના વળતરપેટે પાકિસ્તાન ૪.૨૩ અબજ રૂપિયા ચૂકવે




મુંબઈ પર ૨૦૦૮માં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા નવ અમેરિકન અને ઇઝરાયલી નાગરિકોએ આ હુમલાના પાકિસ્તાનસ્થિત કાવતરાખોરો પાસેથી વળતર પેટે ૬૮૮ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૪.૨૩ અબજ રૂપિયાની માગણી કરી છે.

ન્યુ યૉર્કની એક કોર્ટ સમક્ષ ૩૦ અને ૩૧ ઑક્ટોબરના રોજ કરેલી રજૂઆતમાં મુંબઈ પરના આતંકવાદી હુમલાનો ભોગ બનેલા અમેરિકા તથા ઇઝરાયલના નવ નાગરિકોએ જમાત ઉદ્ દાવા અને લશ્કર-એ-તય્યબા સામે ખટલો ચલાવવાની અને બન્ને સંગઠનોને ગુનેગાર ઠરાવવાની માગણી પણ કરી હતી.

અરજદારોએ અદાલતને એમ પણ જણાવ્યું હતું કે જમાન ઉદ્ દાવાના વડા હાફિઝ સઈદ, લશ્કર-એ-તય્યબાના કમાન્ડર ઝકી ઉર રહેમાન, સાજિદ માજિદ, આઝમ ચીમા અને બે અન્ય પાકિસ્તાની નાગરિકો મેજર ઇકબાલ તથા મેજર સમીર અલી સામે અદાલતી કાર્યવાહી ચલાવવી જોઈએ.

જમાત ઉદ્ દાવા અને લશ્કર-એ-તય્યબા તેમ જ અન્ય પ્રતિવાદીઓને પાકિસ્તાનમાં સમન્સ પાઠવવામાં આવ્યા એ પછી ન્યુ યૉર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વળતર તેમ જ સજાની માગણી કરતો ઉપરોક્ત દાવો દાખલ કરવામાં આવ્યો હોવાનું ઍટર્નીએ જણાવ્યું હતું. લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓએ જે સાત જણની ઘાતકી હત્યા કરી હતી તેમના પરિવારજનોએ વળતરની માગણી કરી છે.