ઇટ્સ ઑફિશ્યલ : મુંબઈ પર હુમલો કરનારાઓએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેઇનિંગ

12 November, 2012 05:37 AM IST  | 

ઇટ્સ ઑફિશ્યલ : મુંબઈ પર હુમલો કરનારાઓએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેઇનિંગ



પાકિસ્તાની ઑફિસરોએ રાવલપિંડીની ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટમાં માહિતી આપીને સ્વીકાર કર્યો છે કે મુંબઈ પર ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના દિવસે થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ આતંકવાદીઓએ આ માટે પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ યોજાયેલા આતંકવાદી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ના કૅમ્પમાં આ માટે ટ્રેઇનિંગ લીધી હતી.

ગઈ કાલે જજ ચૌધરી હબીબુર રહેમાને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના પાંચ ઇન્સ્પેક્ટરોનાં નિવેદન રેકૉર્ડ કર્યા હતાં, જેમાં તેમણે કહ્યું હતું કે મુંબઈ પરના આતંકવાદી હુમલા માટે જવાબદાર ઝકી-ઉર રહેમાન લખવી નામના માસ્ટર માઇન્ડે પાકિસ્તાનના કરાંચી, માનસેહરા, થટ્ટા અને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોમાં યોજાયેલા ‘લશ્કર-એ-તૈયબા’ના કૅમ્પમાં આ હુમલા માટે ટ્રેઇનિંગ લીધી હતી.

ઝકી-ઉર રહેમાન લખવી પાકિસ્તાનના ઓકારા જિલ્લાનો રહેવાસી છે અને વિસ્ફોટોનો ઉપયોગ કરવામાં પાવરધો છે. તે પાકિસ્તાનના તાબામાં રહેલા કાશ્મીરના હિસ્સામાં ‘લશ્કર-એ-તૈયબા’ના કમાન્ડર તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યો છે.