દિલ્હીની વસ્તી ૧.૭૦ કરોડ અને મોબાઇલ કનેક્શન છે ૪.૨૫ કરોડ

21 November, 2012 04:29 AM IST  | 

દિલ્હીની વસ્તી ૧.૭૦ કરોડ અને મોબાઇલ કનેક્શન છે ૪.૨૫ કરોડ

લેટેસ્ટ આંકડા મુજબ દિલ્હીની કુલ વસ્તી ૧.૭૦ કરોડની આસપાસ છે, જ્યારે મોબાઇલ કનેક્શનની સંખ્યા ૪.૨૫ કરોડને આંબી ગઈ છે એટલે કે સરેરાશ દિલ્હીવાસી પાસે બે મોબાઇલ ફોન છે. દિલ્હીમાં ૨૦૧૦-૧૧માં મોબાઇલ ફોન કનેક્શનની સંખ્યા ૩.૮૮ કરોડ હતી એ પછી ૨૦૧૧-૧૨માં તેમાં ૩૭ લાખનો ઉમેરો થયો હતો.

દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે ગઈ કાલે જાહેર કરેલા સરકારી આંકડાઓમાં આ રસપ્રદ હકીકત બહાર આવી છે. સમગ્ર ભારતમાં અત્યારે કુલ મોબાઇલ કનેક્શનની સંખ્યા અંદાજે ૯૦ કરોડ છે. ૨૦૦૯-૧૦માં દિલ્હીમાં મોબાઇલના કનેક્શનની સંખ્યા ૨.૮૨ કરોડ હતી. જેની સામે લૅન્ડલાઇન ફોનના કનેક્શનની સંખ્યામાં સાવ ધીમો વધારો થઈ રહ્યો છે. ૨૦૧૦-૧૧માં લૅન્ડ લાઇન ફોનના કનેક્શનની સંખ્યા ૨૮.૩૮ લાખ હતી, જે ૨૦૧૧-૧૨માં વધીને ૨૯.૧૨ લાખ થઈ હતી.