ઈરાનથી ૨૩૬ ભારતીયોને ઍરલિફ્ટ કરાયા, તમામને જેસલમેર ખસેડાયા

16 March, 2020 10:38 AM IST  |  New Delhi

ઈરાનથી ૨૩૬ ભારતીયોને ઍરલિફ્ટ કરાયા, તમામને જેસલમેર ખસેડાયા

ઇટલીના મિલાનથી પાછા આવેલા ભારતીય પ્રવાસીઓ જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. (તસવીર : પી.ટી.આઇ.)

દેશમાં રવિવારે કોરોના વાઇરસના સંક્રમણના ૮ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. એમાંથી કેરળમાં ૩ અને મહારાષ્ટ્રના પુણેની નજીક પિંપરી-ચિંચવાડમાં પાંચ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦૭ થઈ છે. બીજી તરફ સંક્રમણથી પ્રભાવિત ઈરાનમાં ફસાયેલા ૨૩૪ ભારતીયોને રવિવારે સવારે મહાન ઍરલાઇન્સના વિમાનથી મુંબઈ લાવવામાં આવ્યા છે. મુંબઈ લાવવામાં આવ્યા બાદ આ તમામ લોકોને રાજસ્થાનના જેસલમેરમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમને સેનાના નવા ક્વોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે. અહીં ૧૦૦૦ લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને વિશેષ વિમાનથી ભારતમાં લાવવામાં આવ્યા છે. કોરોનાને લઈ મુંબઈમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે.

જયશંકરે એના માટે ઈરાન સરકાર અને ભારતીય દૂતાવાસને ધન્યવાદ કહ્યું છે. આર્મીના આઇસોલેશન વૉર્ડમાં તમામ આવનારાઓનું સ્ક્રીનિંગ કરાશે અને ત્યાર બાદ જેસલમેરના ક્વોરન્ટીનમાં રખાશે. શુક્રવારના રોજ ૪૪ યાત્રીઓનો એક જથ્થો ઈરાનથી ભારત આવી ગયો હતો.

સરકારે સંક્રમણને રોકવા માટે બૉર્ડર સીલ કરવાનો ફેંસલો લીધો છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે વિદેશોથી આવતા કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે પાંચ પાડોશી દેશો સાથેની બૉર્ડર સીલ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ પર કાર્યવાહી કરતાં ભારત-નેપાલ, ભારત-બંગલા દેશ, ભારત-ભુતાન, ભારત-મ્યાનમાર બૉર્ડર સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી ૧૪ માર્ચે રાત્રે ૧૨ વાગ્યે કરવામાં આવી છે. ગઈ કાલે રાતના ૧૨ વાગ્યાથી પાકિસ્તાન સાથે લાગેલ સીમા પણ સીલ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં ૧૨ નવા કેસ સાથે સૌથી વધુ ૩૩ કેસો નોંધાયા છે અને ત્યાર બાદ કેરળ બાવીસ પૉઝિટિવ કેસ સાથે બીજું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું છે. દિલ્હીમાં ૭ પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૧૧ કેસ થયા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. કર્ણાટકમાં છ કેસ છે તેમ જ લદાખમાં ત્રણ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં બે કેસ હોવાનું જણાયું છે. તેલંગણમાં અત્યાર સુધીમાં ત્રણ પૉઝિટિવ કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં બે કેસ છે, જ્યારે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પંજાબમાં એક-એક કેસ મળી આવ્યા છે.

international news national news coronavirus