પ્રજાસત્તાક દિવસ પર રજૂ થશે 22 ઝાંખીઓ, 11 વર્ષ પછી CISFની એન્ટ્રી

25 January, 2019 06:58 PM IST  |  નવી દિલ્હી

પ્રજાસત્તાક દિવસ પર રજૂ થશે 22 ઝાંખીઓ, 11 વર્ષ પછી CISFની એન્ટ્રી

આ વર્ષે તમામ ઝાંખીઓનું થીમ એક જ રહેશે 'રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી.'

શનિવારે ઊજવવામાં આવનારા 70મા ગણતંત્ર દિવસની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ પરેડનો મુખ્ય હિસ્સો ઝાંખીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા માટે તૈયાર છે. આ વખતે ગણતંત્ર દિવસની પરેડ માટે કુલ 22 ઝાંખીઓની પસંદગી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વખતે પરેડમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ (CISF)ની ઝાંખીને 11 વર્ષ પછી સામેલ કરવામાં આવી છે.

પરેડમાં આ વર્ષે કુલ 22 ઝાંખીઓ સામેલ થશે. તેમાં 16 ઝાંખીઓ રાજ્યોની જ્યારે છ વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોની હશે. હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન વગેરે રાજ્યોની ઝાંખી આ વખતે પરેડમાં નહીં હોય. ખાસ વાત એ છે કે આ વર્ષે તમામ ઝાંખીઓનું થીમ એક જ રહેશે 'રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી.'

દિલ્હી કેન્ટ સ્થિત રાષ્ટ્રીય રંગશાળામાં મંગળવારે આયોજિત પત્રકાર પરિષદમાં આ જાણકારી રંગશાળાના વિશેષ કાર્ય અધિકારી દલપતસિંહે આપી હતી. તેમની સાથે રક્ષાવિભાગના જનસંપર્ક અધિકારી મરીન મઈ અને ઝાંખી મેનેજર રાજીવ પણ હાજર હતા. આ વર્ષે જે રાજ્યોની ઝાંખીઓ પરેડનો હિસ્સો બનવાની છે તેમની પણ આખી લિસ્ટ શેર કરવામાં આવી છે.

આંદામાન તેમજ નિકોબાર (સેલ્યુલર જેલમાં કેદીઓની સાથે ગાંધીજીની ભૂમિકા), અરૂણાચલ પ્રદેશ (સ્વયંમાં શાંતિ), આસામ (આસામમાં ગાંધીજી), દિલ્હી (ગાંધી સ્મૃતિ), ગોવા (વિવિધતામાં એકતા), ગુજરાત (ઐતિહાસિક દાંડી માર્ચ), જમ્મુ-કાશ્મીર (ગાંધીજીની આશાનું કિરણ: અમારી મિશ્રિત સંસ્કૃતિ), કર્ણાટક (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બેલગાવી સંમેલન), મહારાષ્ટ્ર (ભારત છોડો આંદોલન), પંજાબ (જલિયાંવાલા બાગ), સિક્કિમ (કૃષિ અને પર્યાવરણમાં અહિંસા), ત્રિપુરા (ગાંધીજીની વિચારધારાથી ગ્રામ્ય અર્થવ્યવસ્થાની મજબૂતી), તમિલનાડુ (મહાત્મા ગાંધીના ડ્રેસ કોડનું રૂપાંતરણ), ઉત્તરાખંડ (આધ્યાત્મિક અનાશક્તિ આશ્રમ), ઉત્તરપ્રદેશ (મહાત્મા ગાંધીની 150મી જયંતીનું સન્માન), પશ્ચિમ બંગાળ (મહાત્મા ગાંધી અને બંગાળ).

આ રાજ્યો ઉપરાંત પરેડમાં છ સરકારી મંત્રાલયો/વિભાગોની ઝાંખીઓ પણ સામેલ થઈ રહી છે. તેમાં કૃષિ મંત્રાલય (કિસાન ગાંધી), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ (ગૌરવશાળી 50 વર્ષ), કેન્દ્રીય લોકનિર્માણ વિભાગ (વંદે માતરમ), પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય (સ્વચ્છ ભારત મિશન), ઊર્જા મંત્રાલય (સૌભાગ્ય: ન્યુ ઇન્ડિયા, રોશન ઇન્ડિયા) અને ભારતીય રેલ (મોહનમાંથી મહાત્મા). તમામ ઝાંખીઓનું સિલેક્શન રક્ષા મંત્રાલય દ્વારા ગઠિત 10 સભ્યોની વિશેષજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.