દિલ્હીના કોમી દાવાનળમાં: 82 લોકોને ગોળી વાગી એમાંથી 21નો જીવ ગયો

29 February, 2020 07:46 AM IST  |  New Delhi

દિલ્હીના કોમી દાવાનળમાં: 82 લોકોને ગોળી વાગી એમાંથી 21નો જીવ ગયો

દિલ્હીની હિંસામાં ૮૨ લોકોને ગોળી વાગી હતી અને એમાંથી ૨૧ લોકોનાં મોત થયાં હતાં. એક રિપોર્ટમાં આ વાત જાણવા મળી છે. મૃતકોમાં હેડ કૉન્સ્ટેબલ રતન લાલ પણ સામેલ છે. તેમનું મોત સોમવારે થયું છે. પોલીસે અત્યાર સુધી મૃતકો અને ઘાયલો સહિત ૨૫૦ લોકોની યાદી તૈયાર કરી છે. આ આંકડો જણાવે છે કે દર ત્રણમાંથી એક ગોળી વાગવાને કારણે ઘાયલ થયા છે. આ સંખ્યાથી પોલીસ તપાસ કરી રહી છે કે કેટલા ઉપદ્રવીઓ પાસે બંદૂકો હતી.

સિનિયર અધિકારીએ જણાવ્યા પ્રમાણે પોલીસને હિંસાના સ્થળેથી ૩૫૦થી વધારે ઉપયોગમાં લેવામાં આવેલી કારતૂસ મળી છે. તપાસ દરમ્યાન ૦.૩૨ મિમી, ૦.૯ મિમી અને ૦.૩૧૫ મિમી કેલિબરની કારતૂસ મળી આવી છે. ઘટનાસ્થળેથી રમકડાવાળી બંદૂકની કારતૂસ પણ મળી છે.

દિલ્હી હિંસાનો નાચ : મરણ‌ાંક વધીને ૪૨

દિલ્હી હિંસામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા ૪૨ થઈ છે. તોફાનો તો શાંત થયાં છે, પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. કારણ કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સળગેલાં મકાનો, દુકાનોના કાટમાળ નીચેથી અને નાળામાંથી મૃતદેહો મળવાની અને મોતનો આંકડો હજી વધે એવી આશંકા છે.

હવે પોલીસ નાળાંઓની પણ તપાસ કરી રહી છે, કારણ કે અંકિત શર્માની લાશ નાળામાંથી મળ્યા બાદ બીજા બે મૃતદેહ પણ આ રીતે ગઈ કાલે નાળામાંથી મળી આવ્યા હતા.

બીજી તરફ શિવ વિહાર વિસ્તારમાં એક સળગાવાયેલી દુકાન અને ગાડીમાંથી બે લાશો મળી ચૂકી છે, જેનાથી એવી આશંકા વધી છે કે સળગેલી મિલકતો અને વાહનોમાં હજી બીજી લાશો હોઈ શકે છે.

પોલીસનું કામ એટલા માટે પણ વધી ગયું છે કે સળગાવી દેવાયેલી પ્રૉપર્ટીઓની સંખ્યા સેંકડોમાં થવા જાય છે.

નાળાંઓમાં તપાસ કરવા માટે સિંચાઈ અને પૂર વિભાગ, પૂર્વ દિલ્હી નગર નિગમ અને પોલીસ વચ્ચે બેઠક પણ થઈ છે. નગર નિગમે નાળાંઓની શોધખોળ કરવામાં તમામ પ્રકારની મદદનો ભરોસો આપ્યો છે.

delhi news delhi violence new delhi national news