દેશમાં વાઘની ગણતરીએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ

11 July, 2020 06:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં વાઘની ગણતરીએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં વાઘની ગણતરીએ નવો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. વર્ષ 2018માં વાધની ગણના થઈ હતી. ધ ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન દ્વારા 1,21,337 ચોરસ કિલોમીટરમાં સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં 26,760 જગ્યાએ જુદા જુદા લોકેશન પર કેમેરા લગાવવામાં આવ્યા. તેનાથી વન્યપ્રાણીઓના 3.5 કરોડથી વધુ ફોટો લેવામાં આવ્યા. તેમાંથી 76,651 ફોટો વાઘના અને 51,777 ફોટો દીપડાના છે. વાઘ પર કરવામાં આવેલો આ સર્વે દુનિયાનો સૌથી મોટો સર્વે છે.

વર્ષ 2018માં કરવામાં આવેલા સર્વેની માહિતી હવે જાહેર થઈ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, દેશમાં 2967 વાઘ છે. 2006માં આ સંખ્યા 1411 હતી. લગભગ નવ વર્ષ પહેલાં પ્રધાનમંત્રીએ સેન્ટ પીટર્સબર્ગમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું.

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં વાઘની આબાદીમાં 1/3 ભાગમાં વુદ્ધિ થઈ છે. 2018-19માં 20 ભારતીય રાજ્યોમાં 88,985 કિમી ત્રણ જંગલોમાં વાઘની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. વાઘો મોટા ભાગે મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે. આ ત્રણ રાજ્યમાં 1,492 વાઘોનું ઘર છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે ટ્વીટ કરીને આ વિશે કહ્યું હતું કે, વન્યજીવન સર્વે માટે હકીકતમાં આ એક ઉત્તમ ક્ષણ અને આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતે લક્ષ્યના ચાર વર્ષ પહેલાં વાઘની વસ્તીને બમણી કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.

જાવડેકરે મીડિયાને જણાવ્યું હતું કે વિશ્વમાં વાઘની કુલ વસતીમાં ભારતનો હિસ્સો 70% છે.

national news prakash javadekar