આતંકવાદીએ માથામાં ગોળી મારી હોવા છતાં પાકિસ્તાની ટીનેજર કેવી રીતે બચી ગયો?

19 December, 2014 07:02 AM IST  | 

આતંકવાદીએ માથામાં ગોળી મારી હોવા છતાં પાકિસ્તાની ટીનેજર કેવી રીતે બચી ગયો?




પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં મંગળવારે આચરવામાં આવેલા હત્યાકાંડ દરમ્યાન તાલિબાન આતંકવાદીએ પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી માથામાં ગોળી મારી હોવા છતાં ૧૪ વર્ષની વયનો એક સ્ટુડન્ટ બચી જવા પામ્યો હતો.

ઑડિટોરિયમમાં આતંક

એ ભયાનક હુમલાને યાદ કરતાં નાઇન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ સૈયદ બકીર નકવીએ કહ્યુ હતું કે ‘ફર્સ્ટ એઇડ ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાગ લેવા માટે હું સ્કૂલના ઑડિટોરિયમમાં ગયો હતો. એ વખતે આતંકવાદીઓ ઑડિટોરિયમમાં પ્રવેશ્યા એટલે હું એક ખુરસી નીચે સંતાઈ ગયો હતો. મારી બાજુની ચૅર નીચે એક અન્ય સ્ટુડન્ટ પણ સંતાયો હતો. આતંકવાદીએ તેને પણ શૂટ કરી નાખ્યો હતો અને બીજી દિશામાં ચાલ્યા ગયા હતા.’

કટોકટીનો સમય


જોકે થોડીક જ વારમાં એ આતંકવાદી પાછો ફર્યો હતો અને તેની નજર સૈયદ બકીર નકવી પર પડી હતી. એ સમય કટોકટીનો હતો. આતંકવાદીએ સૈયદના માથા પર ગન તાકીને ટ્રિગર દબાવ્યું. ગનમાંથી ગોળીઓ છૂટવાની સાથે સૈયદ માથું ધુણાવવા લાગ્યો હતો એટલે એકેય ગોળી તેના માથામાં ઘૂસી ન શકી અને કપાળને છરકો કરીને પસાર થઈ ગઈ.

બેભાન હોવાનો ઢોંગ

આઘાતની સ્મૃતિને સંભારતાં સૈયદે કહ્યું હતું કે ‘મને થોડું દર્દ થવા લાગ્યું અને મારા માથામાંથી લોહી વહેતું થયું એટલે આતંકવાદીને લાગ્યું કે તેણે છોડેલી ગોળી મારા માથામાં ઘૂસી ગઈ છે. પછી તે આતંકવાદી ત્યાંથી ચાલ્યો ગયો હતો. મિલિટરી ઑડિટોરિયમમાં ન પ્રવેશી ત્યાં સુધી હું બેભાન હોવાનો ઢોંગ કરીને પડ્યો રહ્યો હતો. એ પછી સૈનિકોએ મને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.’

પહેલો ટાર્ગેટ ટીચર્સ

આતંકવાદીઓએ પહેલાં ઑડિટોરિયમમાં ઊભેલા લોકોને નિશાન બનાવ્યા હતા અને પછી આગળની લાઇનોમાં બેઠેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. હૉલમાં ઊભેલા ટીચર્સને શૂટ કર્યા બાદ હત્યારાઓ જીવ બચાવવા નાસી રહેલા સ્ટુડન્ટ્સ પર ત્રાટક્યા હતા. સૈયદ અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતો તેનો મોટો ભાઈ બચી ગયા હતા, પણ તેમની ટીચર મમ્મી આતંકવાદીઓની બુલેટની શિકાર બની ગઈ હતી. તેમની મમ્મી ફરહત કૉલેજ-સ્ટુડન્ટ્સને ઇસ્લામિયત, અરેબિક અને ઉદૂર્ ભણાવતી હતી.