દિલ્હીના કરોડપતિ બિઝનેસમૅન ધમધમતો કારોબાર છોડી અમદાવાદમાં આજે દીક્ષા લેશે

02 November, 2014 04:39 AM IST  | 

દિલ્હીના કરોડપતિ બિઝનેસમૅન ધમધમતો કારોબાર છોડી અમદાવાદમાં આજે દીક્ષા લેશે



દિલ્હીના ૫૭ વર્ષના બિઝનેસમૅન ભવરલાલજી રુગનાથમલજી દોશી ૪૦૦થી ૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતો કારોબાર છોડીને અમદાવાદમાં દીક્ષા લેશે. અમદાવાદમાં પાલડીમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે સુવિશાલગચ્છાધિપતિ આ.ભ. જયઘોષસૂરીશ્વજી મહારાજસાહેબ અને દીક્ષાદાનેશ્વરી આ.ભ. વિજયગુણરતનસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં તેમની દીક્ષામુરત ગ્રહણોત્સવ વિધિ યોજાશે અને ૫૦૦ સાધુ–સાધ્વીભગવંતોની નિશ્રામાં ભવરલાલજી દોશી આજે દીક્ષામુરત ગ્રહણ કરશે.

મૂળ રાજસ્થાનના મંડાર ગામના વતની અને કાપડનો વેપાર કરતા પિતાના પુત્ર ભવરલાલજી દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબ, જશવંતશ્રીજી અને પ્રગુણાશ્રીજી, ગુણરતનસૂરીશ્વરજી, જયઘોષસૂરીશ્વરજી સહિતના મહારાજસાહેબોના સત્સંગમાં જતો અને તેમનાં પ્રવચનો સાંભળતો. ૧૯૯૪ પછી લાઇફમાં પરિવર્તન આવ્યું. ગુરુભગવંતોને સતત મળવાનું થતું રહ્યું, તેમની સાથે સત્સંગ થતો રહ્યો. દરમ્યાન છ વર્ષ પહેલાં શંખેશ્વરમાં પંચાવન દિવસ સુધી ઉપધાન તપ કર્યું અને સાધુજીવન જીવ્યો ત્યારે પાકો નિર્ણય કરી લીધો કે મારે સંયમમાર્ગે જવું છે અને દીક્ષા લેવાનું નક્કી કરી લીધું હતું અને એની જાહેરાત પણ કરી હતી.’

આચાર્ય રશ્મિરતનસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે દીક્ષા માટે દિલ્હી છોડીને ગુજરાત એટલા માટે પસંદ કર્યું, કેમ કે ગુજરાત એ શાશ્વતભૂમિ છે. શત્રુંજય મહાર્તીથ, ગિરનાર, શંખેશ્વર મહાર્તીથ સહિત જૈનોની આસ્થાનાં ધામ ગુજરાતમાં છે.’

ફ્લાઇટમાં ફરતા અને ઍર-કન્ડિશનરની ઠંડી હવામાં જ રહેતા ભવરલાલજીએ દીક્ષાનો માર્ગ સ્વીકારતાં ઘણાબધાને નવાઈ લાગી છે. ઉત્તર ભારતના બિઝનેસમેનોમાં જેમનું નામ જાણીતું છે તે ભવરલાલજી દોશીના પરિવારમાં તેમનાં પત્ની મધુબહેન, બે દીકરા મયૂર, રોહિત અને એક દીકરી ટીના છે. તેઓ પ્લાસ્ટિકના દાણાનો બિઝનેસ કરે છે. દિલ્હીમાં તેઓ ૧૮ સંઘોના પ્રમુખ છે. હસ્તિનાપુર, મંડાર સંઘ, વરમાણના અધ્યક્ષપદે રહ્યા. એ ઉપરાંત ૮૦ જેટલાં ટ્રસ્ટોમાં તેમ જ ર્તીથસ્થાનો, સેવાસંઘોમાં કાર્ય કરી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી બિઝનેસ તેમના દીકરાઓને સોંપીને તેઓ સંઘશાસનમાં સેવા આપી રહ્યા છે.