નરેન્દ્ર મોદી તો ચોર છે, તેમણે સરદાર પટેલનો વારસો ચોર્યો

01 November, 2014 06:47 AM IST  | 

નરેન્દ્ર મોદી તો ચોર છે, તેમણે સરદાર પટેલનો વારસો ચોર્યો


સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૯મી જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવાના અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિની ઉપેક્ષાથી વ્યથિત કૉન્ગ્રેસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી હતી.
રાજ્યસભામાં કૉન્ગ્રેસના ઉપનેતા આનંદ શર્માએ કહ્યું હતું કે આ ઘૃણાસ્પદ કૃત્ય છે અને મોદીસરકારની સંકુચિત વિચારધારાને દર્શાવે છે. એક અન્ય કૉન્ગ્રેસી નેતા મણિશંકર અય્યરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોર છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના વારસાની ચોરી કરી છે.


કૉન્ગ્રેસના આક્રમણનો જવાબ આપતાં ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ ઇતિહાસને માત્ર નેહરુ-ગાંધી પરિવારના પરિપ્રેક્ષ્યમાં જ નિહાળવા ઇચ્છે છે. પક્ષના નેતા વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે ‘દરેક નેતાનું ઇતિહાસમાં આગવું સ્થાન છે. સરદારે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો હતો. એટલે સરદાર રોલ-મૉડલ પણ કહેવાય.’
ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમના નવી દિલ્હીમાંના સ્મારક શક્તિસ્થળ પર યોજવામાં આવેલા સમારંભમાં વડા પ્રધાને હાજરી આપી નહોતી. જોકે મોદીએ ટ્વિટર મારફતે અને વિજયચોકમાં ભાષણ આપતી વખતે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર પટેલના વારસા પર કબજો જમાવવાનો પ્રયાસ મોદી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં આનંદ શર્માએ કહ્યું હતું કે સરદાર એક કૉન્ગ્રેસી હતા અને દેશના ઉપ-વડા પ્રધાન તથા ગૃહપ્રધાન હતા ત્યારે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સરદારે વાપરેલી ચીજોના કસ્ટોડિયન બન્યા મોદી

સરદાર પટેલે જેનો ઉપયોગ કર્યો હતો એ પ્લેટ્સ, કપ, રકાબીઓ અને કેટલીક અન્ય સામગ્રી એના કસ્ટોડિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હવાલે ગઈ કાલે કરી હતી. દિલ્હીસ્થિત મંજીરી ટ્રસ્ટનાં શીલા ઘાટગેએ વડા પ્રધાનને તેમના નિવાસસ્થાને સરદારની આ અંગત સામગ્રી આપી હતી. સરદારના પપૌત્ર બિપિન ડાહ્યાભાઈ પટેલ અને તેમનાં પત્ની લુઈએ આ સામગ્રી ઘાટગેને આપી હતી. મોદીએ આ બાબતે તેમના ફેસબુક અકાઉન્ટમાં જણાવ્યું હતું કે આ ચીજો ભારતની સંસ્કૃતિનો અજોડ હિસ્સો છે.