નાકાબંધી દરમ્યાન ગાડીમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ મળી

16 October, 2014 05:47 AM IST  | 

નાકાબંધી દરમ્યાન ગાડીમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ મળી



ચૂંટણી સમયે મતદારોના મત ખરીદવાની ઘટના પ્રકાશમાં આવતી જ હોય છે. એથી જ આ ચૂંટણી દરમ્યાન આવું ન બને એનું ધ્યાન રાખવા પોલીસે પણ રોકડની હેરફેર પર ચાંપતી નજર રાખી છે. મંગળવારે રાત્રે ૧૧.૪૦ વાગ્યે મુંબઈમાં આઝાદ મેદાન પોલીસની હદમાં મહાત્મા ગાંધી રોડ પર બૉમ્બે જિમખાના સામે ફૅશન સ્ટ્રીટ નજીક નાકાબંધી દરમ્યાન એક ગાડીની તપાસ કરતાં પોલીસને ડ્રાઇવર-સીટની પાછળથી બૅગમાંથી ૨૪ લાખ રૂપિયા જેટલી રોકડ મળી આવી હતી. ગાડીમાં એ સમયે રાજેન્દ્ર પ્રસાદ ભારદ્વાજ નામની વ્યક્તિ હતી. આ રોકડ આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનના તાબામાં છે અને વધુ તપાસ ચાલુ છે.

 ગઈ કાલે વિક્રોલી પાર્કસાઇટમાં બનેલી ઘટનામાં પોલીસને સંદેશ વિદ્યાલયમાં રોકડની વહેંચણીનું કામ ચાલી રહ્યું છે એવો ફોન આવતાં પોલીસ આંબેડકર ચોકના સંદેશ વિદ્યાલયના ક્લાસરૂમ નંબર ૮માં પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસને ૨૭ વર્ષની લક્ષ્મી રામલિંગ નવસુપે અને ૪૪ વર્ષની મેઘા રામચંદ્ર મ્હાત્રે પાસેથી કુલ ૧ લાખ ૬૬ હજાર રૂપિયા ૮૩ પાકીટમાંથી મળી આવ્યા હતા. બરામદ રકમ વિશે પૂછતાછ કરતાં આ રકમ પોલિંગ એજન્ટના ભોજન તેમ જ અન્ય ખર્ચ માટે છે એવું કહેવામાં  આવ્યું હતું. રકમ પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના તાબામાં છે અને વધુ તપાસ ચાલુ છે.

ભૂતપૂર્વ મિનિસ્ટરનો વર્કર રોકડની વહેંચણી કરતાં પકડાયો

શહેરમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું પણ ઉમેદવારો દ્વારા રોકડની વહેંચણી કરવાની અને રોકડ જપ્ત થયાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. આવી જ એક ઘટનામાં ચેમ્બુરની ય્ઘ્જ્ પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિ ભૂતપૂર્વ સોશ્યલ જસ્ટિસ મિનિસ્ટર ચંદ્રકાંત હંડોરે માટે રોકડની વહેંચણી કરી રહ્યો છે. માહિતી મળતાં જ પોલીસે મોનોરેલ સ્ટેશન નજીક ખાદી મશીન વિભાગના પરિસરમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાં ચંદ્રકાંત હંડોરેનો વર્કર નિલોબા સરોદે રોકડની વહેંચણી કરતાં મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ૩૧,૫૦૦ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ઘટનાની તપાસ ચાલુ હતી.