મોદીની સણસણતી ટીકાને પવારનો સૉલિડ જવાબ

11 October, 2014 04:37 AM IST  | 

મોદીની સણસણતી ટીકાને પવારનો સૉલિડ જવાબ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુરુવારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ફ્ઘ્ભ્ના ચીફ શરદ પવારને તેમના ગઢ બારામતીની સભામાં લલકારતાં કહ્યું હતું કે ‘શરદરાવજી, તમે ડિફેન્સ મિનિસ્ટર હતા ત્યારે પણ ચીન અને પાકિસ્તાનનાં અડપલાં તો ચાલુ જ હતાં, પરંતુ એકેય વાર તમે બૉર્ડર પર ગયા છો? અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ અને દેશના જવાનો પાડોશીઓના હુમલાનો જડબાતોડ જવાબ વાળી રહ્યા છે. દેશના જવાનોનું મનોબળ નબળું પડે એવા મુદ્દે પૉલિટિક્સ ન ખેલાય.’

આવી સણસણતી ટીકાનો જવાબ વાળતાં પવારે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘હું ડિફેન્સ મિનિસ્ટરપદે હતો ત્યારે બૉર્ડર પર ગયો હતો કે નહીં એની વિગતો ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી જાણી લેવાની મોદીજીને મારી નમ્ર વિનંતી છે. સિયાચીન દુનિયાનો એવો વિસ્તાર છે જ્યાં માણસને જીવવા પૂરતો ઑક્સિજન પણ નથી મળતો. આવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ સિયાચીનમાં જઈને દેશના જવાનોની પીઠ થાબડનારો હું દેશનો પહેલો ડિફેન્સ મિનિસ્ટર બન્યો હતો.’

હવે હું તમને પૂછું છું કે તમે ક્યારેય સિયાચીન ગયા છો? એવો સવાલ મોદીને પૂછતાં પવારે કહ્યું હતુંકે, ‘એક સાદું કામ તો કરો. દેશને ફુલ ટાઇમ ડિફેન્સ મિનિસ્ટર તો આપો. દેશના હિતમાં શું એ જરૂરી નથી કે એક ડિફેન્સ મિનિસ્ટર હોય?’