માલદીવે ભારતની કંપનીનો ઍરર્પોટનો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો

04 December, 2012 06:33 AM IST  | 

માલદીવે ભારતની કંપનીનો ઍરર્પોટનો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો



માલદીવની સરકારે ગઈ કાલે ભારતીય કન્સ્ટ્રક્શન કંપની જીએમઆરને આપેલો ઍરર્પોટનો કૉન્ટ્રૅક્ટ રદ કરી દેતાં બન્ને દેશોના રાજકીય સંબંધોમાં ખટરાગ પેદા થયો છે. માલદીવે રાજકીય દબાણ સામે ઝૂકીને આ કૉન્ટ્રૅક્ટ રદ કર્યો હતો. એ પછી ભારત સરકારે માલદીવ સાથેના સંબંધોની સમીક્ષા કરી હતી તથા માલદીવને ભારતની રાહત અટકાવી દેવાનો નિર્ણય કર્યો હતો. માલદીવમાં ભારતવિરોધી ભાવનાને કારણે ભારતીય હિતોને નુકસાન પહોંચવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તરફ સિંગાપોરની ર્કોટે જીએમઆરની તરફેણમાં ચુકાદો આપતાં માલદીવ સરકારના નિર્ણય સામે સ્ટે આપ્યો હતો. જોકે માલદીવ સરકારે આ ચુકાદાને માન્ય રાખવાનો ઇનકાર કર્યો હતો.

જીએમઆર અને માલદીવ સરકાર વચ્ચે ઍરર્પોટ બાંધવા માટે થયેલા કરારમાં બન્ને પક્ષ વચ્ચે વિખવાદ થાય તો સિંગાપોર કે બ્રિટનની ર્કોટ ફેંસલો લેશે એવી શરત સામેલ હતી. આ શરત મુજબ જીએમઆરે માલદીવના નિર્ણયને સિંગાપોરની ર્કોટમાં પડકાર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહના વડપણ હેઠળની સુરક્ષા બાબતની બાબતોની કમિટીએ જીએમઆરનો કૉન્ટ્રૅક્ટ રદ કરવાના માલદીવના નિર્ણય અને એની અસરોને લઈને ચર્ચા કરી હતી. માલદીવમાં એક રાજકીય જૂથ ભારતવિરોધી છે. માલદીવની સરકારમાં પણ આ જૂથના સભ્યો સામેલ છે. એવું પણ મનાઈ રહ્યું છે કે માલદીવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી હોવાથી ભારતે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

જીએમઆર = ગ્રાન્ધી મલ્લિકાજુર્ન રાવ