સોનિયા-રાહુલે પચાવી ૧૬૦૦ કરોડની સંપત્તિ : સુબ્રમણ્યમ

02 November, 2012 02:46 AM IST  | 

સોનિયા-રાહુલે પચાવી ૧૬૦૦ કરોડની સંપત્તિ : સુબ્રમણ્યમ



જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ ગઈ કાલે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ ૧૬૦૦ કરોડ રૂપિયાની પબ્લિક પ્રૉપર્ટી પચાવી પાડી હોવાનો આક્ષેપ કર્યો હતો. સ્વામીએ આ પુરવાર કરતા દસ્તાવેજો પણ હોવાનો દાવો કર્યો હતો. ગઈ કાલે નવી દિલ્હીમાં આ આક્ષેપો કરતાં સ્વામીએ કહ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધીએ ‘યંગ ઇન્ડિયા’ નામની એક કંપની બનાવીને દિલ્હી, લખનઉ તથા ઉત્તર પ્રદેશનાં અન્ય શહેરોમાં ન્યુઝપેપર માટેની સસ્તા દરની સેંકડો એકર જમીન પચાવી પાડી છે. એટલું જ નહીં, બન્નેએ કાયદાનો પણ સરેઆમ ભંગ કર્યો હતો. ગઈ કાલે રાહુલ ગાંધીએ સ્વામીના તમામ આક્ષેપોને ખોટો અને પાયાવિહોણા ગણાવીને તેમની સામે માનહાનિનો દાવો કરવાની ચેતવણી આપી હતી.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે ગાંધી પરિવારની આ પ્રાઇવેટ કંપનીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ‘નૅશનલ હેરલ્ડ’ અને ‘કોમી આવાઝ’ નામનાં અખબારો બહાર પાડતી ‘અસોસિએટ જર્નલ્સ’ નામની કંપની ખરીદી લીધી હતી. આ કંપની હસ્તગત કરવામાં અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. આ માટે કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા ૯૦ કરોડ રૂપિયાની વગર વ્યાજની લોન પણ આપવામાં આવી હતી. સ્વામીએ આ આક્ષેપો પુરવાર કરતા કંપની રજિસ્ટ્રારના દસ્તાવેજો હોવાનો દાવો કર્યો હતો. સોનિયા ગાંધીની કંપનીના શૅરહોલ્ડરોની બેઠક તેમના સરકારી નિવાસસ્થાને મળી હોવાનો દાવો પણ સ્વામીએ કર્યો હતો.

કેસ કરવાની રાહુલે આપી ધમકી


ગાંધી પરિવારે સુબ્રમણ્યમ સ્વામીએ કરેલા આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ ગઈ કાલે સ્વામી વિરુદ્ધ કાનૂની પગલાં ભરવાની ચેતવણી આપી હતી. રાહુલ ગાંધીની ઑફિસ દ્વારા આ વિશે સ્વામીને એક લેટર મોકલવામાં આવ્યો હતો, જેમાં આ આક્ષેપો ખોટા અને બિનપાયેદાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. લેટરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્વામી જેવી વ્યક્તિ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો દુરુપયોગ નહીં કરે એ માટે કાયદામાં ઉપલબ્ધ તમામ વિકલ્પો અજમાવવામાં આવશે.