યુપીએ સરકારને ઝટકો દીદીએ ટેકો પાછો ખેંચ્યો

20 September, 2012 05:19 AM IST  | 

યુપીએ સરકારને ઝટકો દીદીએ ટેકો પાછો ખેંચ્યો


લોકસભામાં તૃણમૂલ કૉન્ગ્રેસના ૧૯ સભ્યો છે. કેન્દ્રમાં સરકાર રચવા માટે ઓછામાં ઓછા ૨૭૨ સંસદસભ્યોનો ટેકો જરૂરી છે.

ત્રણ કલાકની મીટિંગ બાદ ધડાકો

કલકત્તામાં ગઈ કાલે મમતા બૅનરજીએ પાર્ટીના ટોચના નેતાઓ સાથે ત્રણ કલાક સુધી ચર્ચા કરીને યુપીએને ટેકો પાછો ખેંચવાનો નર્ણિય કર્યો હતો. બાદમાં પત્રકારોને સંબોધતાં મમતાએ કહ્યું હતું કે જો સરકાર રીટેલમાં એફડીઆઇ, ડીઝલનો ભાવવધારો તથા રસોઈ ગૅસના સિલિન્ડર પરની લિમિટનો નર્ણિય પાછો ખેંચશે તો તેઓ ફરી સરકારને ટેકો આપવાનો વિચાર કરી શકે છે. સરકાર માત્ર એક જ પાર્ટી દ્વારા ચાલતી નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં સરકાર બીજાના ટેકા પર આધાર રાખી શકે છે, પણ પિમબંગમાં અમને કોઈના ટેકાની જરૂર નથી.

કૉન્ગ્રેસ પર દીદીનો અટૅક

ટેકો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ કૉન્ગ્રેસ પર શાબ્દિક આક્રમણ કરતાં મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘કોલસા કૌભાંડના મુદ્દાને દબાવવા માટે એફડીઆઇનો નર્ણિય લેવામાં આવ્યો હતો. કૉન્ગ્રેસ બ્લૅક મેઇલિંગનું રાજકારણ રમી રહી છે. જ્યારે કૉન્ગ્રેસને માયાવતી સામે પ્રૉબ્લેમ હોય ત્યારે તે મુલાયમ સિંહ પાસે જશે, જ્યારે મુલાયમ સિંહ સામે પ્રૉબ્લેમ હોય ત્યારે તે નીતીશકુમાર પાસે જશે. પણ (એફડીઆઇના સંદર્ભમાં) દેશના પાંચ કરોડ અસંગઠિત વેપારીઓ કોની પાસે જશે? આખરે કોઈએ તો બિલાડીના ગળે ઘંટ બાંધવો જ પડશે.’ મમતાએ દાવો કર્યો હતો કે તેમણે એફડીઆઇના નર્ણિયનો સોનિયા ગાંધી સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો હતો, પણ તેમણે વિરોધ ગણકાર્યો ન હતો.

બીજેપી-જેડીયુએ નિર્ણય આવકાર્યો

મમતા બૅનરજીના નર્ણિયથી રાજકીય વતુર્ળોમાં ખળભળાટ મચી ગયો હતો. બીજેપી અને જેડીયુએ મમતા બૅનરજીના નર્ણિયને આવકાર્યો હતો. જ્યારે સરકારને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીએ સરકારની વર્તમાન સ્થિતિ માટે કૉન્ગ્રેસને જવાબદાર ગણાવી હતી. જ્યારે ડાબેરી પાર્ટીઓએ સરકારને સંસદમાં બહુમત પુરવાર કરવાનો પડકાર ફેંક્યો હતો. જેડીયુના પ્રમુખ શરદ યાદવે કહ્યું હતું કે ‘મમતા બૅનરજીએ જે પગલું ભર્યું એ બદલ મારા તેમને સલામ છે. તેમણે દેશને બચાવવા માટે મોટો નર્ણિય લીધો છે. છેલ્લાં ૬૪ વર્ષમાં ક્યારેય લોકોને આટલો અન્યાય થયો ન હતો.’ બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મમતા બૅનરજીની જાહેરાત સાથે યુપીએનું પતન શરૂ થયું છે. આ સાથે તેમણે ‘બોલ્ડ’ નર્ણિય લેવા બદલ મમતા બૅનરજીની પ્રશંસા કરી હતી. બીજેપીએ અગાઉ પણ મમતાને ટેકો પાછો ખેંચવા અપીલ કરી હતી.


તૃણમૂલ કૉન્ગ્રેસ હજી પણ મૂલ્યવાન સાથી : કૉન્ગ્રેસ

મમતા બૅનરજીએ ટેકો પાછો ખેંચવાની જાહેરાત કર્યા છતાં પણ કૉન્ગ્રેસને હજી પણ દીદીને મનાવી લેવાનો વિશ્વાસ છે. ગઈ કાલે કૉન્ગ્રેસે કહ્યું હતું કે અમે હજી પણ તૃણમૂલ કૉન્ગ્રેસને મૂલ્યવાન સાથી માનીએ છીએ. કૉન્ગ્રેસે એમ પણ કહ્યું હતું કે મમતાએ ઊભા કરેલા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધી વડા પ્રધાન મનમોહન સિંહને મળીને રસોઈ ગૅસના સિલિન્ડર પરની મર્યાદા ઓછી કરાવે એવી શક્યતા છે.

દીદીએ રિસીવ કર્યો ન હતો વડા પ્રધાનનો ફોન

વડા પ્રધાન મનમોહન સિંહે એક અઠવાડિયા પહેલાં જ મમતા બૅનરજીને રીટેલમાં એફડીઆઇના નર્ણિય બાબતે માહિતી આપી હતી. એટલું જ નહીં, આ નર્ણિય જાહેર કરાયો તેના એક દિવસ પહેલાં પણ વડા પ્રધાને આ વિશે ચર્ચા કરવા મમતા બૅનરજીને ફોન કર્યો હતો. જોકે મમતાએ વડા પ્રધાનનો ફોન રિસીવ કર્યો ન હતો. એટલું જ નહીં, ગઈ કાલે પણ વડા પ્રધાન કાર્યાલયમાંથી મમતા બૅનરજી પર ફોન કરવામાં આવ્યો હતો. જોકે મમતાએ વળતો કૉલ કરવાની પણ તસ્દી લીધી ન હતી. એ પછી કૉન્ગ્રેસના કેટલાક નેતાઓએ પણ મમતા બૅનરજીને વડા પ્રધાન સાથે વાત કરવાનો મેસેજ મોકલાવ્યો હતો.

મુલાયમ-માયાવતીના હાથમાં સરકારનું ભાવિ

મમતા બૅનરજીએ ટેકો પાછો ખેંચ્યો છતાં પણ યુપીએ સરકાર સામે અત્યારે કોઈ ગંભીર ખતરો નથી. અને તેનું કારણ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ છે. મુલાયમ સિંહ યાદવની પાર્ટીના ૨૩ સંસદસભ્યો યુપીએને બહારથી ટેકો આપી રહ્યા છે. ગઈ કાલે મુલાયમ સિંહે કહ્યું હતું કે ‘અમે સ્વતંત્રતાપૂવર્ક નર્ણિય લઈશું. અમારા નર્ણિય પર મમતા બૅનરજીની જાહેરાતની અસર નહીં હોય.’ મુલામય સિંહ અને માયાવતીની પાર્ટી બીએસપી (૨૧ સંસદસભ્યો) યુપીએને બહારથી ટેકો આપી રહ્યા છે. તેમના ટેકાના સથવારે યુપીએનું સંખ્યાબળ ૩૦૫ છે. જો તેઓ ટેકો પાછો ખેંચે તો યુપીએની સંખ્યા ઘટીને ૨૫૦થી પણ ઓછી થઈ જાય. જો એમ થાય તો સરકાર પડી ભાંગશે.


યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, ડીએમકે = દ્રવિડ મુનેત્ર કઝઘમ, બીએસપી = બહુજન સમાજ પાર્ટી, આરજેડી = રાષ્ટ્રીય જનતા દળ, આરએલડી = રાષ્ટ્રીય લોકદળ, જેડીએસ = જનતા દળ સેક્યુલર