ગણેશોત્સવમાં થીમ સામાજિક સંદેશની

13 September, 2012 07:06 AM IST  | 

ગણેશોત્સવમાં થીમ સામાજિક સંદેશની





૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન દક્ષિણ મુંબઈમાં આવેલાં વિવિધ ગણેશમંડળો સામાજિક સંદેશો આપવાની થીમ લઈને કામ કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ ર્બોડ અને બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ મળીને છેલ્લાં કેટલાંક વર્ષોથી એવા પ્રયાસો કરે છે કે ગણેશોત્સવ દરમ્યાન જનજાગૃતિ ફેલાવવામાં મદદ કરવા માટે ગણેશોત્સવ મંડળો સામાજિક સંદેશા ગણેશના ડેકોરેશન સાથે આપે. આ વખતે ગણેશોત્સવ દરમ્યાન જે સામાજિક મુદ્દાને સાંકળી લેવામાં આવ્યા છે એમાં ભ્રૂણહત્યા, ગુટકા પરનો પ્રતિબંધ, ભ્રષ્ટાચાર, સાક્ષરતા અભિયાન, સ્વચ્છતા અને પ્લાસ્ટિકની કૅરી બૅગ પર પ્રતિબંધના વિષયનો સમાવેશ છે.

૩૫મા વર્ષની ઉજવણી કરી રહેલા મરીન લાઇન્સમાં આવેલા અખિલ ચંદનવાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં આ વખતે ચાર મિનિટની એક ફિલ્મ તૈયાર કરવામાં આવી છે જેમાં લોકોને ચાઇલ્ડ લેબર તથા ભ્રષ્ટાચાર અને મોંઘવારીને કારણે સામાન્ય માણસની કફોડી થઈ રહેલી દશાને દેખાડવામાં આવશે.

ખેતવાડી ૧૧મી ગલીના સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં ઇકો-ફ્રેન્ડ્લીનો સંદેશો ફેલાવવામાં આવશે. આ ગણેશનું સંપૂર્ણ ડેકોરેશન પાંદડાંમાંથી કરવામાં આવશે. મુંબઈચા મહારાજા તરીકે ઓળખાતી આ ગણેશમૂર્તિના દર્શનાર્થે આવનારા લોકોને કન્યાભ્રૂણહત્યાનો સંદેશ આપતાં બૅનરો પણ જોવા મળશે.

મરીન લાઇન્સમાં આવેલા શ્રી બાળગોપાળ ગણેશોત્સવ મંડળની ૨૪ ફૂટ ઊંચી મૂર્તિમાં ગણેશજીને હનુમાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ગણેશોત્સવ મંડળના કલાકાર રત્નાકર પિલણકરે ભ્રષ્ટાચારનું દૂષણ, ચાઇલ્ડ લેબર, દહેજ, કન્યાભ્રૂણહત્યા અને લાંચનાં દૂષણોને રજૂ કરતી એક કવિતા તૈયાર કરી છે જેને દર્શન કરવા આવનારા લોકોને સંભળાવવામાં આવશે.

ખેતવાડી ૧૨મી ગલીમાં બાબુલનાથના ઇસ્કૉન મંદિરમાંથી પ્રેરણા લઈને મંડપ બનાવવામાં આવી રહ્યો છે. ૧૨મી ગલીના કૉર્નરને કૃષ્ણમંદિરનું સ્વરૂપ આપવા માટે ૩૫થી ૪૦ કારીગરો અત્યારથી મહેનત કરી રહ્યા છે. આ મંડળના કાર્યકરોએ જાતે મંડપની ડિઝાઇન કમ્પ્યુટર પર બનાવી છે અને મજૂરો પાસે માથે ઊભા રહીને કામ કરાવે છે. આ આખો મંડપ સેન્ટ્રલી એસી રાખવામાં આવ્યો છે. ગણેશજીના હીરાજડિત મુગટ અને સોનાના દાગીનાને ધ્યાનમાં રાખીને મંડપની સિક્યૉરિટી માટે સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. આવી જ રીતે મંડપની સુરક્ષા માટે ડૉગ-સ્ક્વૉડ રાખવામાં આવી છે.

આવી જ રીતે ખેતવાડીની ખંભાતા લેનમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. અહીં ગણેશજીને ગરુડ પર આરૂઢ કરવામાં આવ્યા છે.

ર્ફોટના ઇચ્છાપૂર્તિ ગણેશ તરીકે પ્રખ્યાત ર્ફોટ વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ બાબતે બિકાનેરના લક્ષ્મી પેલેસમાં ગણપતિને સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. ઑર્ગન ડોનેશન માટે જાગૃતિ ફેલાવવાનો નર્ણિય આ મંડળે લીધો છે અને આને માટેની ચાર મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડશે.

સીસીટીવી = ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન